આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૬:સ્નેહસૃષ્ટિ
 


‘હું એ કબૂલ કરું છું.’

‘તું તો ભણેલો છે ને ? અંગ્રેજી ઉચ્ચ ભણતર !’

‘હા જી, કૉલેજનું ભણતર કોઈને પણ ભણેલો કહેવરાવે તો !’

‘એમ. એ. થઈ ગયો ?’

‘હા જી; ડૉક્ટરેટ પણ મળી છે.’

‘તો પછી… તું કંઈ નોકરીચાકરી કરતો નથી ?’

‘ના જી.’

‘તારું પોષણ કેમ ચાલે છે ?’

‘પોષણ નથી મળતું એવાઓને હું જોઉં છું ત્યારે મને લાગે છે કે મને ઠીકઠીક પોષણ મળે છે… વળી બેત્રણ વિદ્યાર્થીઓને હું અભ્યાસમાં સહાય કરું છું એટલે માસિક પોષણ મળી રહે છે.’

‘તારે કુટુંબ નથી ?’

‘ના જી, એટલું સુભાગ્ય છે.’

‘એકલો જ છે તું ?’

‘છેક એકલો તો નહીં… પરંતુ મા છે અને હું છું મારા કુટુંબમાં… બે જ જણ… સાચું પોષણ માએ કર્યું.’

‘હં… મા છે તારે ?… બીજું ભારણ નથી એમાં તું બચી ગયો લાગે છે. પરણ્યો પણ નથી ?’

‘ના જી.’

‘પરણીશ તો ખરો ને ?’

‘ના જી; હમણાં નહિ.’

‘શું બધામાં “ના જી” “ના જી” કરે છે, છોકરા !… નચિકેતા, સત્યકામ. શુકદેવના યુગનો તું લાગે છે ! તારાથી આ વર્તમાન યુગમાં આ બધું બની શકશે ?’ હસતે હસતે સાધુએ સુરેન્દ્રને ઠપકો દીધો.

‘એ યુગ મારે માટે આવે તો ઘણું સારું. મહારાજ ! ધનસંપત્તિ જિતાય, સ્ત્રીનો મોહ જિતાય અને મૃત્યુ ઉપર વિજય મળે, બસ ! મારે આ જિંદગીમાં બીજું કાંઈ કરવાપણું પછી રહે જ નહિ !’ સુરેન્દ્ર પણ હસતે હસતે સાધુને જવાબ આપ્યો.

‘મળતું તો છે નહિ ! પછી જીતવાપણું ક્યાં ? જરા વધારે વિચારશીલ થા. અર્થકારણ સમજી લે. જીવનકક્ષામાં ઉચ્ચતા લાવવા મથન કર. આમ બધું ત્યાગવાથી તો તું નિષ્ફળતામાં ઊતરી જઈશ.’ સાધુએ શિખામણ