આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સાધુ અને વિતંડાઃ ૧૯૯
 


સરખા ધનહીનને કોણ પરણે ? કોઈ યુવતીને પરણવા પણ કેમ દેવાય ?’ સુરેન્દ્ર જવાબ આપ્યો.

એનો બીજો જવાબ સાચો ન હતો. સ્ત્રીઓ તરફ તેની દૃષ્ટિ ભલે વધારે જતી ન હોય છતાં એને કોઈ યુવતી ચાહી ન શકે એવો એ અણગમતો પુરુષ તો ન જ હતો.

અને એ જાણતો જ હતો કે જ્યોત્સ્નાએ તો એને જેટલું સ્પષ્ટ અને ખુલ્લું કહી શકાય એટલું પ્રેમનું આમંત્રણ આપ્યું જ હતું. એક ધનિક, સંસ્કારી, વિદ્વાન યુવતી તેને ચાહી રહી હતી એટલું ન સમજે એવું સુષુપ્ત પરુષત્વ પણ તેનું ન હતું ! બોલતે બોલતે તેની આંખ સામે જ્યોત્સ્ના ક્ષણભર આવીને ઊડી પણ ગઈ… કદાચ એ ખોટું બોલી રહ્યો હતો એ કહેવા માટે પણ એની છાયા એની આંખ આગળ આવી ગઈ હોય !… તે ક્ષણે જ્યોત્સ્નાનો સ્થૂલ દેહ તો સુરેન્દ્રની માતા પાસે બેઠો હતો, જેનો ખ્યાલ સુરેન્દ્રને ન જ હોય.

ખ્યાલ એટલો ચોક્કસ હોય કે ન હોય તોય જ્યોત્સ્ના સુરેન્દ્રની આંખ આગળ આવી ગઈ એટલું ભાન તો સુરેન્દ્રને અવશ્ય થયું. અને તે સાધુ આગળ સાચી હકીકત કહેતો ન હતો એમ એને પોતાને પણ લાગ્યું. સાધુએ અંગત વાત પતાવતાં કહ્યું :

‘તું જ્યાં સુધી પરણે નહિ ત્યાં સુધી હું તને અવારનવાર અહીં બોલાવતો રહીશ… અત્યારે તો તારી એક જ સલાહ લેવાની છે. આ તારા સો રૂપિયામાંથી આ ભજનિક કુટુંબને માટે જીવનભરનો વ્યવસાય ચાલે એવું શું કરી શકાય ?’

આજની દુનિયામાં સો રૂપિયાનો તો હિસાબ જ નથી. આજનો શેખચલ્લી પણ જૂના શેખચલ્લી સરખી કલ્પના કરે તો ઘીનો ઘાડવો નહિ પણ ઘીનો ડબ્બો વેચવાની કલ્પના કરે ! દસશેર પાંચશેર ઘીમાં શેખચલ્લીની કલ્પનાસૃષ્ટિ ઊભી ન જ થાય. એટલે માત્ર રૂપિયા આપવાથી નહિ પરંતુ બીજી જ કોઈ વ્યવસ્થા કરવાથી માનવીનું કાયમી આર્થિક દુઃખ ઘટે એમ હતું.

શિવાલયની આસપાસ ખાલી જમીન હતી. વિસ્તૃત જમીન હતી, પડતર જમીન હતી. હજી કોઈના ઉપયોગમાં એ જમીન આવી ન હતી. શિવાલયમાં એક કૂવો પણ હતો. આ નિરાધાર કુટુંબને આ જમીનમાં સો રૂપિયા નાખવા હોય તો ? ખેતી કરી પોષણમાં જેટલો વધારો થઈ શકે એટલો કરવો હોય તો ?