આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગાંધીરંગ્યો સામ્યવાદઃ ૨૦૩
 

છેતરપિડી દ્વારા બોલવું કાંઈ અને કરવું કાંઈ, એવી ગુપ્ત કાવતરાવૃત્તિ ખીલવી તેનો અમલ કરવો, એવી પ્રણાલિકાનો એ વિરોધ કરતો ત્યારે સામ્યવાદીઓ તેને મૂડીવાદીના ઉચ્છિષ્ટ - Humanitarian - અશાસ્ત્રીય, નિરુપયોગી, અડચણ કરતાં ભલામણ તરીકે સામ્યવાદમાંથી હડસેલી કાઢતા !

આ પક્ષવિહીન યુવકને નવી દુનિયા રચવી હતી. એ નવી દુનિયાની રચના માટે એણે એક સિદ્ધાંત પોતાને માટે સ્વીકારી લીધો હતો. અને તે છે કે જીવનભર ધનસંચયને માર્ગે જવું નહિ. એણે શિક્ષણ તો ઊંચા પ્રકારનું લીધું; પરંતુ એ શિક્ષણનો ધનઉપાર્જનમાં ઉપયોગ ન કરવાની પોતાને માટે મર્યાદા બાંધી દીધી. હજી સુધી પોતાના સિદ્ધાંતનો બીજી કોઈ રીતે અમલ કરવાનો પ્રસંગ આવ્યો ન હતો; આજ ભજનિકો દ્વારા સરકારી જમીનનો પોષણ માટે ઉપયોગ કરવાનો રસ્તો તેણે દીઠો.

એથી તે સહેજ સંતુષ્ટ થયો અને તેમાં પણ જ્યારે જુનવાણી દેખાવના સાધુએ નવી ઢબની સંપત્તિ આપી ત્યારે એને લાગ્યું કે તેને સમજનાર એક સહાયક તેને મળી ચૂક્યો છે. કેટલીયે વાતચીત કરી રાત્રે તે ઘેર ગયો ત્યારે તેની માતાએ જ્યોત્સ્ના તથા શ્રીલતા આવી ગયાની હકીકત કહી. માતાના હૃદયમાં ઊંડે ઊંડે આશા-અભિલાષા જાગે જ કે આવા ભણેલાગણેલા પુત્રને કોઈ નૂતન દુનિયાની ભણેલીગણેલી છોકરી પત્ની તરીકે મળે !

પરંતુ માતાને ક્યાંથી ખબર હોય કે તેનો પુત્ર પત્નીત્વ માગતી એક પ્રવીણ અને ધનિક છોકરીને છોડીને આવ્યો હતો ? છોકરીને તો કદાચ છોડી શકાય, પરંતુ પાર્થિવ જીવન સતત નિભાવનાર આર્થિક ઉપાર્જનનું સાધન પણ એ સાથે સાથે મૂકીને આવ્યો હતો ! એને વધારે પૈસો જોઈતો ન હતો; પરંતુ રોજના ગુજરાન માટે અર્થ વગર ન જ ચાલે એટલું તો સત્ય તે સમજતો જ હતો.

સુરેન્દ્રને પોતાનું ઘર ન હતું; પોતાની કશી મિલકત ન હતી. આવકનું સાધન ન હતું. માતાએ દુઃખ વેઠી પોતાની પાસે જે કાંઈ હતું તે વેચી સાટી પુત્રને ઉત્તમ કેળવણી આપી હતી. માતાના પોષણની જવાબદારી પણ તેની જ ! જ્યોત્સ્ના પગાર બાકી રહી ગયાને બહાને બીજા રૂપિયા આપવા આવી હતી તેની પણ માતાએ એને ખબર આપી. આવી સહાનુભૂતિ ધરાવતી યુવતીને ખસેડવામાં એ ડહાપણ તો કરતો જ ન હતો એ સાચું. પરંતુ કનકની સાથે કામિનીનો મોહ પણ જતો કરવાની જરૂર આદર્શની સિદ્ધિ માટે છે. એમ તેણે નક્કી કરી રાખ્યું હતું. જેમાં તેણે મોટા પગારનાં લોભાવનારાં આમંત્રણોને જતાં કર્યાં હતાં તેમ એણે ધન કરતાં પણ વધારે