આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૬:સ્નેહસૃષ્ટિ
 

બનાવી દેવાની તક જરૂર મળશે એવી સ્વાભાવિક આશા તે સેવી રહ્યો. લગ્ન એટલે ? પુરુષની મુક્તિ અને સ્ત્રીનું બંધન ! નહિ, પરંતુ એ લગ્નની કક્ષાએ પહોંચતા સુધી યોગીને શોભે એવી ધીરજ પુરુષે ધારણ કરવી રહી. મધુકર તેને માટે તૈયાર હતો.

‘ભલે, તારી મરજી… પણ તું આમ અબોલ કેમ બની જાય છે ?’ મધુકરે પૂછ્યું.

‘હું કદી પણ ક્યારે વધારે બોલતી ? બોલવાની ટેવ તો શ્રીલતામાં છે…’ જ્યોત્સ્નાએ કહ્યું.

‘એનું નામ બાજુએ મૂક… જ્યાં અને ત્યાં એ સામે અને સામે ખરી… અને તુંયે એને બહુ બોલાવ બોલાવ કરે છે… એવી ચઢી ગઈ છે એ છોકરી !’

‘એના વગર કેમ ચાલે ? આખી નાટ્યદૃશ્યની યોજના જ એની.’

‘પછી એનો બહુ સાથ ન રાખીશ… એણે હવે સુરેન્દ્ર જોડે લટૂડાં કરવા માંડ્યાં છે… જોયું ને ?’

‘શું કરે બિચારી ? તેં તરછોડી એટલે ?’

‘મેં કારણ વગર એને તરછોડી નથી જ… આવું આવું ઘણું જોયા પછી જ મેં એને ના સંભળાવી. છતાંય, એને કશી શરમ કે મર્યાદા જ નહિ.… જ્યાં હોય ત્યાં પ્રેમની જ વાત… સહુ સાંભળે એમ… બહુ વાંધાભરેલું વલણ.’

‘હં’ કહી જયોત્સ્નાએ બારી બહાર જોવું ચાલુ રાખ્યું. અને થોડી વાર કારની અંદર શાન્તિ પ્રસરી.

સ્નેહ શાન્તિ સહી શકતો નથી. જરા રહીને મધુકરે કહ્યું :

‘જ્યોત્સ્ના !'

‘કેમ ?’ જ્યોત્સ્નાએ ઝડપી પ્રશ્ન કર્યો.

‘મારી સાથે એકાક્ષરી ઉચ્ચારણની જરૂર નથી.’

‘તેં જ હમણાં કહ્યું ને કે શરમ તથા મર્યાદા ન હોવાથી તે શ્રીલતાને બાજુએ મૂકી ! પછી હું કેમ વધારે બોલું ?’

‘શ્રીલતા તો જ્યાંત્યાં ચપચપાટ કરતી… આપણે બન્ને તો એકાન્તમાં છીએ… અહીં પડદાની જરૂર નથી.’

‘અહીં જ પડદાની જરૂર છે.’

‘જરા પણ નહિ…’ જ્યોત્સ્નાનો હસ્તસ્પર્શ કરવા મથતા મધુકરે