આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અવેતન રંગભૂમિઃ ૨૪૫
 

કમર અને ભ્રૂકુટીની લટક ઉપર વળગીને જ રચાયું છે. આજની યુવતીને કલાનું શિક્ષણ આપી શકાય જ નહિ... કારણ એ જાતે જ જન્મસિદ્ધ કલાવતાર હોય છે. તેને શિક્ષણ કે સૂચનો આપનાર અપમાનને નોતરે છે.

આ સદ્‌ગણ સ્ત્રીઓની જ - યુવતીઓની જ - વિશિષ્ટતા નથી, એ યૌવનનો જ મહાગુણ છે. યુવતીઓની માફક યુવકો અને કિશોરો પણ કલાની બાબતમાં કોઈનાં સૂચન શિક્ષણની પરવા કરતો જ નથી. પરવા તો ઠીક, પરંતુ એ વર્ગ સૂચનો સહન પણ કરી શકતો નથી.

‘કાન્તા ! આટલું બધું આગળ માથે ન ઓઢીશ... તારું મુખસૌન્દર્ય વધારે ખુલ્લું દેખાવું જોઈએ.’ કોઈ કાન્તા નામની અભિનેત્રીને કહેતું.

‘પણ મારે તો ગ્રામસુંદરીનો અભિનય કરવાનો છે. આગળ ઓઢ્યા વગર ન ચાલે.’ કાન્તા જવાબ આપતી. અને જોકે એ માનતી હતી કે એના મુખસૌન્દર્યનો લાભ જનતાને મળવો જોઈએ ખરો, છતાં અભિનયમાં તો એણે કોઈને નમતું ન જ આપવું જોઈએ.

સૂચન કોઈ ન સાંભળે તેથી સૂચન આપવાનો અધિકાર ખોવાઈ જતો નથી. સુશમા નામની યુવતીને શિખામણ મળી :

‘અરે સુશમા ! તું બધી રીતે સરસ અભિનય કરે છે, પરંતુ જરા વધારે પડતો લટકો થઈ જાય છે... અને તું તો ગામડિયણનો સ્વાંગ ભજવે છે.... એમાં આવો લટકો શોભે ખરો ? આ શિખામણ સુશમાની જ હરીફ યુવતીની માતા સુશમાને સુધારવા આપતી. સુશમા સમજી જતી કે પોતાની પુત્રી સરસાઈ દર્શાવવા એક માતા આ સૂચના આપે છે. એટલે સુશમા જવાબ આપતી ! ‘ત્યારે તમે ગામડિયણના લટકા જોયા નથી.... ગામડિયણ તો વળી એવી લટકાળી હોય છે કે ન પૂછો વાત... અને મારો અભિનય એ કાંઈ ટાઢા પથરાનો અભિનય નથી... જીવતી સ્ત્રીનો અભિનય છે...’

સૂચન આપનાર વડીલ સ્ત્રીને આ જવાબ ઝટકા જેવો વાગતો હતો. સુશમાની જ માતાએ એ અન્ય માતાને તેની જ દીકરીના અભિનય માટે એક વખત. કહ્યું હતું કે એની દીકરીએ જડપથરાનો સ્વાંગ ભજવાનો નથી ! આમ અભિનેત્રીઓ અને તેમની માતાઓ વચ્ચે આપલે ચાલ્યા જ કરતી હોય છે.

નાટ્યપ્રયોગોમાં મિત્રો અને સખીઓ પણ દુશમનાવટમાં પ્રવેશી જાય છે... સ્વ વિના અન્ય સર્વ વ્યક્તિઓ આ દુનિયામાં ટીકાપાત્ર હોય છે... કદાચ એ સ્વની મહત્તાને સંતોષવા ખાતર જ अगंब्रह्मास्मि નું સૂત્ર રચાયું હોય