આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મધ્યમ વર્ગનાં ગૃહ:૧૯
 

જોઈ રહ્યા હતા, અને મધુકરની માતા એક તકિયો અઢેલી પાન ચાવતાં બેઠાં હતાં. ધનિકનું એ ઘર ન હતું, છતાં થોડી ખુરશીઓ પણ એ ખંડમાં પડી હતી, એકાદ મેજ પણ હતું અને વર્ષો પહેલાં સારું હોવું જોઈએ એવું દેખાતું પાથરણું પણ પાથરેલું હતું. જેને જમીન ઉપર બેસવું હોય તે જમીન ઉપર બેસી શકે, જેને ખુરશી ફાવતી હોય તે ખુરશીનો ઉપયોગ કરી શકે, અને જેને હીંચકાનો ઝોલો ફાવતો હોય તે હીંચકા ઉપર પણ બેસી શકે. એવી વિવિધ મિશ્રણવાળી સગવડ એ સ્થળમાં હતી. પિતાના મુખ ઉપર અસ્વસ્થતા હતી એટલે માતા કાંઈ પણ વાતચીતનો પ્રયોગ કરતાં ન હતાં, એ મધુકરે ઘરમાં પ્રવેશ કરતાં જ જોઈ લીધું.

મોડી રાત્રે મધુકર ઘેર આવ્યો એ પિતાએ જોયું; પરંતુ પુત્ર સામે નજર નાખવાની તેમને જરાય ઇચ્છા અત્યારે ન હતી. જીવનમાં સતત બાહોશી બતાવતા મધુકરે વાતાવરણ પરખી લીધું અને માતાને જ સંબોધન કર્યું :

‘મમ્મી ! બહુ મોડું થયું, નહિ ?’

એટલું કહી પહેરેલાં કપડાં સાથે જ તેણે માતાના ખોળામાં મસ્તક મૂક્યું અને જાણે ઘણો થાક્યો હોય તેમ તે લાંબો થઈ સૂતો. માતાનો અને પિતાનો એ લાડકવાયો પુત્ર હતો એ સાચું; પરંતુ કમાણીની કાળજીને કોરે મૂકતાં પુત્રો પિતાના લાડને પાત્ર લાંબો સમય સુધી રહેતા નથી. માતાની દૃષ્ટિ જ જુદી હોય છે. એના લાડમાં પુત્રના સર્વ દોષ ગુણરૂપ બની રહે છે; અને ગુણરૂપ ન બને તોય પૂર્ણ ક્ષમાને પાત્ર બની રહી માતાની સહાનુભૂતિને વધારે ખેંચે છે. થોડા સમયથી મધુકરનાં માતાપિતા વચ્ચે મધુકર સંબંધમાં ઠીકઠીક મતભેદ રહ્યા કરતો… અને તેનો લાભ મધુકરને લેતા સારી રીતે આવડતું. કેટલાક પુત્રોની એવી જ માન્યતા હોય છે કે તેમના પિતાએ ધનવાન હોવું જ જોઈએ. અને ન હોય તો પુત્રને ખાતર થવું જ જોઈએ. સારામાં સારી સગવડ ન આપી શકતા પિતાઓએ પિતૃત્વ ધારણ કરવું જ ન જોઈએ, અને છતાં ભૂલથી તેઓ પિતા બની જાય તો તેમની એ ભૂલ બદલ સંતાનો જે શિક્ષા કરે તે તેમણે સહન કરવી જ જોઈએ એવી સ્પષ્ટ; અસ્પષ્ટ કે અર્ધ સ્પષ્ટ માન્યતા સેવતાં બાળકોનાં માતાપિતા - અને ખાસ કરીને પિતા - પોતાના માતૃત્વ અને પિતૃત્વની ભૂલ માટે પશ્ચાત્તાપ પણ કરતાં હોય છે. પરંતુ સંતાન ઉપજાવવાની મહાભૂલ માતાપિતાના પશ્ચાત્તાપથી સુધરતી નથી !

માતાએ મધુકરના મસ્તક ઉપર હાથ મૂક્યો અને મધુકરના હૃદયમાં હિંમત આવી. તેણે ફરી લાડથી પૂછ્યું :

‘બહુ બેસી રહેવું પડ્યું, મમી ?… મારે લીધે ?’