આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦:સ્નેહસૃષ્ટિ
 

હજી મમીનું પૂર્ણ વાત્સલ્ય ઊભરાયું ન હતું. કદાચ સાચા વાત્સલ્ય અંગે જ તેમનાથી ઠપકો પુત્રને અપાઈ ગયો. ઠપકાભરી આંખ કરી તેમણે પુત્રને કહ્યું :

‘ક્યાં આજનું જ છે… તારું મોડા આવવાનું ?’

‘જો, મમી ! કાલે હું ક્યાં મોડો આવ્યો હતો ?… પરમ દિવસનો વિચાર કર… તમારો બધાંનો જીવ જ અધીરો છે !… કોઈ દિવસ મોડું થાય છે એટલે તમને એમ જ લાગે છે કે હું નિત્ય મોડો આવું છું…’

‘ક્યાં ભટકવા ગયો હતો આજે ?’ માતાએ પુત્રને મસ્તકે હાથ ફેરવતાં પૂછ્યું. માતાની શીતળતા વધતી જતી હતી એ અનુભવી મધુકર સમજી શક્યો.

‘ભટકવા ? મેં તને નહોતું કહ્યું કે અમારી કૉલેજના મિત્રો બગીચામાં ભેગા થઈ જરા મજા કરતા હતા વાતોમાં સહજ વાર થઈ ગઈ.’

‘તમારી ટોળીઓમાં તો પાછી છોકરીઓ હોય છે ને ?’ માએ પુત્રની નીતિ વિશે ચિંતા કરી પૂછ્યું. પચાસ વર્ષ ઉપર ગુજરાત છોડી ગયેલી ગુજરાતણ ગુજરાતમાં પાછી આવે તો એને ગુજરાતનું યુવતીજીવન અદ્‌ભુત પલટો લેઈ રહેલું જરૂર લાગે.

‘કૉલેજમાં બધાંને ભેગાં ભણવાનું એટલે બીજું શું થાય, મમી ?’ મધુકર કોઈ પણ પ્રશ્નનો જવાબ આપી શકતો હતો.

‘બળી તમારી કૉલેજ !… લાજશરમ વગરનાં બધાંય… મારા ઘરમાં તો હું જરૂર વહુને ઘૂમટો કઢાવીશ… પણ દીકરા ! હવે જરા ભટકવાનું ઓછું કરો… અને કાંઈ ધંધે લાગો !’ માતાએ કહ્યું.

માતા અને પુત્ર વચ્ચેની વાત સાંભળી રહેલા પિતા અત્યાર સુધી તટસ્થ રહેલા દેખાતા હતા. હવે તેમનાથી વધારે વાર તટસ્થતા જળવાઈ નહિ. તેમનાથી બોલાઈ ગયું :

‘ભટકવાનું એ ઓછું કરે તો આટલાં બિલ ચૂકવવાનો લાભ મને ક્યાંથી મળે ?’

‘બિલ?… બહુ થઈ ગયાં છે. આ વખત ?’

‘હું એ જ જોતો બેઠો છું… જો, દરજીના વળી પાછા દોઢસો !… આ કોઈ ઝવેરીએ વીંટીનું બિલ મોકલ્યું છે… કોણ જાણે શાની વીંટી હશે !… હૅર ઑઈલ, સૅન્ટ, સિગરેટ…’

પિતાએ ગણાવવા માંડેલી બિલની યાદી વધતી જતી સાંભળી મધુકર માના ખોળામાંથી મસ્તક ઉપાડી બેઠો થયો અને અત્યંત વિનમ્ર