આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
યુવાન મધુકર : ૨૭
 

જોઈએ. અને પુસ્તક તથા લેખકનાં નામ જીભને ટેરવે હોવાં જ જોઈએ - જેથી વાચનની ચબરાકીમાં હરીફને હેઠો પાડી શકાય. પલંગ તો હતો જ મધુકરને સૂવા માટે; અને ભારત જેવા મચ્છરિયા પ્રદેશમાં મચ્છરદાની વગર મધુકર સરખા ભારતીય આશાદીપને તો રખાય જ કેમ ? ચટાપટાવાળા લેંઘા અને કબજા સિવાય હવે કોઈ પણ ભારતીય બાળકથી સૂઈ શકાય જ નહિ એવો કોઈ કાયદો થયો લાગે છે, જેનું પાલન મધુકર ન કરે એમ બને જ નહિ.

છટાભર્યાં વસ્ત્રો બદલી મધુકરે કાબરચીતરો લેંઘો અને કબજો પહેરી લીધાં. જમવું તો હતું જ નહિ, કારણ ઉજાણીએ ઠીકઠીક જમણ તેને આપ્યું હતું. છતાં માતાએ દૂધનો એક પ્યાલો એક ‘ટીપાઈ’ ઉપર મૂકી રાખ્યો હતો. માતાપિતાની જે સ્થિતિ હોય તે ખરી ! ભણતા અને ભણી રહેલા યુવાન પુત્રોનાં મગજ તર રાખવાની માતાપિતાને માથે ફરજ હોવી જ જોઈએ. મધુકરે દૂધ પી લીધું, અને પછી એક આરામખુરશી ઉપર બેસી વાંચવા માટે એક પુસ્તક ઉપાડ્યું.

પુસ્તકો પણ વિવિધતાભર્યો હોવાં જ જોઈએ. ગાંધીજીની આત્મકથાથી માંડી રૂસો અને કાસાનોવાનાં આત્મકથનો પણ એમાં હોય. આવતી કાલ માટે છોકરીઓને હસાવવા તથા ચમકાવવા માટેની કેટલીક મશ્કરીઓ તથા રમૂજી કિસ્સાઓ પણ તૈયાર કરવા જ પડે. જે યુરોપ અમેરિકાના વિદૂષકો પાસેથી સારા પ્રમાણમાં આવે છે. જુદી જુદી પ્રજાઓમાં લગ્નના કે પુરુષ સ્ત્રીની મૈત્રીના રીતરિવાજની ચમકાવનારી માહિતી પણ વિદ્વત્તાનો એક સફાઈદાર વિભાગ ગણાય. જેની જરૂર મધુકરે ક્યારનીયે સ્વીકારી લીધી હતી. જાતીય વિગતો આપતાં પુસ્તકો તો પાસે હોવાં જ જોઈએ, એ વગર વર્તમાન સ્ત્રીપુરુષથી જાતીય જીવન કેમ ગાળી શકાય ? ચિત્રોનાં પુસ્તકો તો હોય જ !

મધુકરે વર્તમાન કલાનાં ચિત્રોનું પુસ્તક હાથમાં લીધું હતું. એક મિત્રે તેને ગઈ જન્મતિથિએ ભેટમાં આપેલું એ ચિત્રપુસ્તક હતું. તેણે સ્ત્રીદેહનો અભ્યાસ કરવા માંડ્યો. નિરીક્ષણ એ અભ્યાસનું પ્રથમ લક્ષણ. સૌંદર્ય પણ અતિનિરીક્ષણે સામાન્ય બની જાય છે. ઉત્તેજક સૌંદર્યરેષાઓ પણ ઓસરતી કેમ ચાલી ? મધુકરને ખરેખર નિદ્રા આવતી હતી. પુસ્તકોના કીર્તિવંત લેખકોએ જાણવું જરૂરી છે કે તેમનાં બહુ વંચાતાં-મનાતાં પુસ્તકો નિદ્રા લાવવાના અસરકારક ઇલાજ તરીકે પણ વપરાય છે !

રંગરેષાનું પુસ્તક મૂકી દઈ મધુકરે શબ્દાર્થનો ઉપયોગ સમજાતું પુસ્તક લીધું. પુસ્તકે ધારી અસર ઉપજાવી. તેની ખાતરી થઈ કે તેને નિદ્રા