આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮ : સ્નેહસૃષ્ટિ
 

જ આવતી હતી. ખુરશી છોડી મધુકર પોતાના પલંગમાં સૂતો. સૂતા પહેલાં દીવો હોલવી નાખ્યો હતો. પરંતુ અંધકાર જેમ નિદ્રાપ્રેરક બને છે તેમ વિચારપ્રેરક પણ બને છે.

શા માટે જ્યોત્સ્નાએ સુરેન્દ્રને પોતાની સાથે કારમાં લીધો ? નથી એનામાં છટા, નથી વાતચીતની આવડત, નથી રમતગમતમાં પ્રાવિણ્ય કે નથી કલાસૌંદર્યનો શોખ !… જ્યોત્સ્ના કદી કદી સુરેન્દ્ર પાસેથી પુસ્તકો લેતી. એની નોંધ માગતી, અને કોઈ વાર મુશ્કેલીઓનો ઉકેલ માગતી એ ખરું… પરંતુ ન સુરેન્દ્રની આંખ કે ન તો જ્યોત્સ્નાની આંખ પરસ્પરનાં આકર્ષણને ઓળખતી… આખી મિત્ર મંડળીમાં કોઈને કશો જ વહેમ પડ્યો ન હતો કે જ્યોત્સ્ના આમ ખુલ્લી રીતે સુરેન્દ્રને આમંત્રણ આપી શકશે… કેટલાય દિવસથી મધુકરનો પ્રયત્ન ચાલતો હતો કે જેથી જ્યોત્સ્ના તેને જ આમંત્રણ આપે… અને એ માનતો જ હતો કે આજ તો જરૂર જ્યોત્સ્ના એની સાથે વધારે સરળતાથી વાત કરી તેને માનીતો બનાવશે… પરંતુ શ્રીલતા પાછી વચમાં હતી ને ?… શા માટે એણે ભૂલ કરીને વીંટીની ભેટ શ્રીલતાને આપી ?… એણે થોભવું જોઈતું હતું… શ્રીલતા જ્યોત્સ્ના સરખી સુંદર તો જરૂર છે. પરંતુ જ્યોત્સ્નાની પરિસ્થિતિ શ્રીલતા કરતાં પણ વધારે સારી ! જ્યોત્સ્નાને ખેંચતાં એ જરૂર પરદેશગમનનું મહત્ત્વ મેળવી શકે… અને પરદેશગમન એટલે ? ઝડપી ડિગ્રી, પરદેશની મોજ, હોટેલનું વિલાસી જીવન અને પાછા ફરતાં સત્તા તથા ધનમિશ્રિત હોદ્દો !… સ્ટીમરની મુસાફરીથી શરૂઆત…

અને મધુકરને વિચારમાંથી ચિત્રમાળા દેખાવી શરૂ થઈ ! નિદ્રાના દ્વારમાં પ્રવેશ પામી રમતો, નાચતો, અનેક ગુંલાટો ખાતો વિચાર એટલે સ્વપ્ન !

અને મધુકરને એક સ્વપ્ન આવ્યું.