આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨ : સ્નેહસૃષ્ટિ
 

જ ભૂલી ગયો ?’ જ્યોત્નાએ કહ્યું.

‘ભૂલ્યો તો નથી. પરંતુ મને ખબર નહિ કે પૂર્વની કલા સમજાવનાર અભિયાનકાર સ્ત્રીપુરુષોએ પશ્ચિમને અનુસરી પરસ્પરના હાથે કેમ પકડવા પડતા હશે !’ સુરેન્દ્રે કહ્યું.

‘હાથ ? અરે. પૌર્વાત્ય કલામાં તો હાથ જ નહિ, પરંતુ કમર અને કંઠ પણ પરસ્પરના સ્પર્શ માગે છે. જો.’ મધુકરે કહ્યું અને એકાએક વાતાવરણ બદલાઈ ગયું અને મધુકરની દૃષ્ટિ સમીપ એક મોટું નાટ્યગૃહ યુરોપિયન સ્ત્રી-પુરુષોથી ભરચક ભરેલું પ્રગટ થયું. રંગભૂમિ ઉપર સુંદર વાદ્ય વાગી રહ્યાં છે… હિંદી સંગીતના સૂર ફેલાઈ રહ્યા છે… કૃષ્ણનું સ્વરૂપ ધારણ કરેલ મધુકર ત્રિભંગી અભિનયમાં મુરલી વગાડતો ગોપીઓને બોલાવે છે… શ્રીલતા, યશોધરા અને જ્યોત્સ્ના મટુકીઓ લઈ નૃત્ય કરતી આગળ આવે છે… સુંદર નૃત્યવિધાન થઈ રહ્યું છે… યુરોપિયન શ્રોતાગણ આનંદિત ચહેરે, મુગ્ધ બની તાળીઓથી ધન્યવાદ વરસાવે છે… અને પાસે ન આવતી. રિસાતી. ગોપીનો અભિનય કરતી જ્યોત્સ્ના દૂર રહી રહી અનાદર દર્શાવતું રીસનૃત્ય કરી રહી છે… અને એનો અનાદર મુકાવવા કૃષ્ણ સ્વરૂપે મધુકર આગળ વધી રહ્યો છે… અને સુરેન્દ્ર દૂર રહ્યો રહ્યો આખા દૃશ્યને રંગભૂમિ ઉપર જોયા કરતો હોય છે…’

ફરી વાર તાળીઓના ગડગડાટ થાય છે અને મધુકરને લાગે છે કે તેના દૃશ્યમાં કંઈ હળવાશ આવતી જાય છે. એકાએક દૃશ્ય ઓસરી જાય છે અને તેને આછું આછું ભાન થાય છે કે આ આખું દૃશ્ય કદાચ સ્વપ્ન જ હતું…!

નિદ્રાને ખંખેરી નાખતા ટકોરા પણ તેણે ધીમે ધીમે બારણા ઉપર વાગતા સાંભળ્યાં અને તેની આંખ ઊઘડી ગઈ. મધુકર સ્ટીમરમાં ન હતો. વિમાનમાં ન હતો, રંગભૂમિ ઉપર પણ ન હતો. તે તો પોતાના શયનખંડમાં પોતાની સફાઈભરી પથારીમાં સૂતો હતો. તેની ઉઘાડેલી આંખે તેના ખંડને બરાબર ઓળખ્યો અને તેના મનમાં થયું :

‘આ તો સ્વપ્ન આવ્યું ! કાલની ઉજાણીની અસર !’