આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રવેશનું પહેલું પગથિયુંઃ ૪૧
 

‘કયું કામ સોંપીશું તમને ?’ કહી રાવબહાદુરે બાજુએ જોયું તો યશોદાબહેન ઝડપથી આવતાં દેખાયાં. આવતાં બરોબર તેમણે કહ્યું :

‘હવે ક્યારે પરવારવું છે ?’

‘હું તૈયાર જ છું… આ ભાઈને સેક્રેટરી તરીકે નાણી જોવા છે… શું નામ તમારું ?’ રાવબહાદુરે પૂછ્યું.

‘મારું નામ મધુકર, સાહેબ… હું ઇચ્છું કે આપ મને આપની જીવનનોંધથી શરૂઆત કરવા દો. હું નમૂનો ઘડી આપું.’ મધુકરે મિષ્ટતાથી કહ્યું.

‘હા હા; તમે એનાથી જ શરૂઆત કરો… ક્યારે કરશો ?’

‘હમણાં જ. આપને એકબે કલાકમાં જ તૈયાર કરી બતાવું… માહિતી તો મળી રહેશે.’ મધુકર બોલ્યો.

‘હા, એ બરાબર… પણ તમે જમી લ્યો અમારી સાથે. હું જમતે જમતે તમને મારી હકીકત કહીશ.’ રાવબહાદુરે કહ્યું.

‘હું જમીને જ આવ્યો છું… આપની થોડી હકીકત હું જાણું છું…’

‘અને બીજી… પેલા કબાટમાં માનપત્રો પડ્યાં છે એમાંથી મેળવી શકાશે… માહિતી મળે એટલે જોડેના ખંડમાં બેસી લખવાનું શરૂ કરી દેજો.’ કહી થોડી નોંધ, માનપત્રોવાળું કબાટ અને લેખનવ્યવસાયનો ખંડ બતાવી રાવબહાદુર પોતાનાં પત્ની સાથે જમવા ગયા.

મધુકર જમ્યો ન હતો. પરંતુ એને ઈચ્છા અને આશા હતી કે જ્યોત્સ્ના તેને મળશે, અને જ્યોત્સ્ના પાસેથી ચા-નાસ્તો માગી લેવાશે. ઉપરાંત રાવબહાદુર અને તેમનાં પત્નીને જીતી લેવાનો મધુકરને જે મોકો મળ્યો હતો, એમાં જરાય ગફલત કરવાની તેની ઇચ્છા ન હતી. ઝડપથી તેણે નોંધ જોઈ લીધી, માનપત્રો જોઈ લીધાં ને લેખનખંડમાં બેસી સ્વચ્છ, સારા અને દમામદાર અક્ષરો વડે રાવબહાદુરના જીવનની રેખાઓ તેણે દોરવા માંડી. માનવીની ઘણી ઘણી રેખાઓ કલ્પિત હોય છે, જૂની રેખાઓ ભૂંસાઈ ગયા પછીથી એ ઉપસાવી કાઢેલી હોય છે, અને એમાં ચાલુ પરિસ્થિતિના જ રંગમાંથી રેખાઓ દોરવાની હોય છે. એ કલા મધુકરને સારી રીતે આવડી હોય એમ લાગ્યું. વયે પહોંચેલા માનવીનું બાળપણ એ માનવી પણ ભૂલી ગયેલો હોય છે, એટલે આજની મોટાઈનાં લક્ષણો બાળપણથી જ દેખાઈ આવતાં હતાં એમ લખવામાં રેખાચિત્ર દોરનારને માનવીનું બાળપણ જરાય રોકે એમ હોતું નથી. પત્ની જરાય ઉપયોગી કે દેખાવડાં ન હોય છતાં કોઈ પતિની મગદૂર નથી કે પત્નીના ઉપયોગીપણા