આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૬ : સ્નેહસૃષ્ટિ
 

‘હા મા ! ક્યારનો.’ મધુકરે જવાબ આપ્યો.

‘તું આરામ લેવા ગયો ત્યારના એક ભાઈ આવીને બેઠા છે.’

‘કોણ છે ? સુરેન્દ્ર તો નહિ ને ?’

‘ના, ના. સુરેન્દ્રને તો હું ક્યાં નથી ઓળખતી ?’

‘તો એમને પાંચેક મિનિટમાં અહીં જ મોકલી દે ને ?… કોણ છે એ સમજાયું નહિ.'

‘વારુ’, કહી માતા ખંડ બહાર નીકળી ગઈ. મધુકરે ઘરમાં પણ ગૌરવ વધે એવો ઝડપી પોશાક પહેરી લીધો અને એક મોટું પુસ્તક હાથમાં લેઈ આગંતુકની રાહ જોતો બેઠો. આખા ઘરમાં મધુકરનો જ ખંડ સુશોભિત હતો. છાપ પાડવાના અનેક માર્ગોનાં મોટાં પુસ્તકો હાથમાં રાખી ભવ્ય અભ્યાસ કરવાનો ડોળ પણ એક માર્ગ બની રહે છે. વિદ્યા પણ ઘણાની લાજ રાખી માનવીના દંભને પોષે છે ખરી.

આગંતુક પધાર્યા. તેમણે ઘરની અને આ દંભની સફાઈનો તફાવત એકદમ સમજી લીધો અને કહ્યું :

‘જય જય ! મધુકરભાઈ.’

હજી હમણાં જ વિદ્યાર્થી અવસ્થામાં આળોટી ચૂકેલા મધુકરને મધુકરભાઈ તરીકેનું કદી સંબોધન થયું ન હતું. એને એ સંબોધનથી આશ્ચર્ય પણ થયું અને સાથે સાથે પોતાની મહત્તાનો પણ એને ખ્યાલ આવ્યો.

‘હા, આવો. જય જય ! બેસો.’ મધુકર વગર ઊઠ્યે જ આગંતુકને પોતાની સામેની ખુરશી ઉપર બેસવા કહ્યું. આવનારનો દેખાવ ઊભા થઈને આવકાર આપવા સરખો તેને લાગ્યો નહિ.

આગંતુકે બેસી ખંડ ઉપર દૃષ્ટિ ફેરવી કહ્યું : ‘સરસ ગોઠવણ છે, ભાઈ ! અભ્યાસનો બહુ શોખ લાગે છે '

'ઠીક, સાધારણ. આજના યુગમાં અભ્યાસ વગર કેમ ચાલે ?

'બહુ સાચું કહ્યું. મધુકરભાઈ ! મારે અને આપને ઠીક ફાવશે. હું પણ એક અદનો અભ્યાસી છું.'

‘કહો, કેમ આવવું થયું ? હું શું કરી શકું આપને માટે ?’ મધુકરે અંગ્રેજી વાક્યરચનાને ગુજરાતીમાં ઉતારી.

‘એક જ વાત આપ મારે માટે કરી શકો એમ છો. મારું હસ્તલિખિત પુસ્તક રાવબહાદુરને ત્યાં મૂક્યું છે. એનું અર્પણ મારે રાવબહાદુરને કરવું છે. અર્પણને લાયક એ પુસ્તક છે એમ આપ મત આપો એટલી જ વિનંતી !