આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




 
વેડફાતું વચન
 


જેમ જેમ મધુકર વિચારતો ગયો તેમ તેમ એને લાગતું જ ગયું કે સુરેન્દ્ર એને આભારમાં ડુબાવવા અને એમ કરીને એના અને જ્યોત્સ્નાના માર્ગમાંથી મધુકરને ખસેડવા માટે જ તેની યોજના કરી હતી. ચમક વગરના યુવકો ઘણી વાર ધનિક અને ગર્વિષ્ઠ યુવતીઓનું વધારે ધ્યાન ખેંચે છે. સુરેન્દ્ર જેવા યુવકમાં રસિકતા કે આકર્ષણ કાંઈ જ ન હતાં, છતાં ઘણી વાર આકર્ષણનો અભાવ સંયમને નામે યુવતીઓ ઉપર જાદુ કરે છે. કેટલાય સમયથી મધુકરને શંકા પડી હતી કે જ્યોત્સ્ના સુરેન્દ્ર તરફ ખેંચાતી જાય છે. જ્યોત્સ્નાના શિક્ષક તરીકે પોતાની ગોઠવણ કરી લેઈ મધુકરને સેક્રેટરીપદનો ટુકડો સુરેન્દ્રે ફેંક્યો એટલે એની શંકા નિશ્ચય બની ગઈ. અને મધુકરે જાણ્યું કે સુરેન્દ્રને એક ભલાભોળા મિત્ર કરતાં કુટિલ હરીફ તરીકે ઓળખવો એ જ વધારે સાચું અને સલામત ગણાય.

સદ્ભાગ્યે એક જ વસ્તુસ્થિતિ તેના લાભમાં કામ કરી રહી હતી : જ્યોત્સ્નાનાં માતાપિતાનો કબજો તેનો હતો ! અને અવરજવરની સુરેન્દ્ર કરતાં પણ વધારે મોટી શક્યતા મધુકરને પ્રાપ્ત થઈ હતી. એ લાભનો ઉપયોગ સુરેન્દ્રનો પગ એ ઘરમાંથી ટાળવા માટે જરૂર થઈ શકે એમ હતું. સુરેન્દ્ર જરા ઘરમાંથી ખસે એટલે જ્યોત્સ્નાને ખેંચવામાં મધુકરને કશીયે વાર લાગે એમ ન હતું.

માત્ર… બે મુશ્કેલીઓ તેને દેખાઈ. લાડમાં ઊછરેલી જ્યોત્સ્ના આગ્રહ કરી સુરેન્દ્રને પકડી રાખે તો એનાં માતાપિતા એની મરજી વિરુદ્ધ કાંઈ પણ કરે નહિ. માતાપિતાનું વાત્સલ્ય એકની એક દીકરી ઉપર અઢળક હતું.

અને બીજી અનિશ્ચિતતા શ્રીલતાની ગણાય. એ છોકરી મજબૂત મનની, દૃઢનિશ્ચયી અને અત્યંત ઊર્મિલ હતી. એને જતી કરવી એ કઠણ પ્રશ્ન બની જાય. છતાં એને જેમ જેમ જતી કરવામાં આવશે તેમ તેમ એ સમજી શકશે અને મધુકર તથા જ્યોત્સ્નાનો સંબંધ વધતાં તે જરૂર મધુકરને વચન-બંધનમાંથી મુક્ત કરી દેશે. અને વચન તો… માણસના