આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩
 
વૃન્દાવનની કુંજગલી
 

જયપ્રસાદે આ સ્થળને શોભે નહિ એવા સંસ્કારોભર્યા ઉચ્ચારોથી કેટલીક વાતચીત કરી. આંખે ન દેખતા માનવીઓને પણ સ્ત્રીપુરુષના સંબંધમાં રસભરી જિજ્ઞાસા ઊભી થયા વિના રહેતી નથી. વર્તમાનપત્રો વંચાઈ ગયાં હતાં. જયપ્રસાદનો પુત્ર પણ દિવસભરનું કામ કરી આવી ગયો હતો. જયપ્રસાદે સહજ પૂછ્યું :

‘સુરેન્દ્રભાઈ ! તમે તો કાંઈ લેતા નથી. પરંતુ તમારી સાથે આવેલાં બહેનને હું ચા આપી શકું ?’

‘ના જી. આપ જરાયે તસ્દી ન લેશો.’ જ્યોત્સ્નાએ પોતે જ જવાબ આપ્યો.

‘એમ કેમ બહેન ? ચા તમે પણ પીતાં નથી શું ?’

‘એવું નથી. ચા તો હું પીઉં પરંતુ તે ઘર બહાર નહિ.’ જ્યોત્સ્નાએ કહ્યું.

‘એમ ?… વાત સાચી. અમારા ગરીબ ઘરની ચા…’

જયપ્રસાદને બોલતા અટકાવી દઈ તેમનું વાક્ય પૂરું કરવા ન દેતાં જ્યોત્સ્નાએ કહ્યું :

‘નહિ જી, એમ નથી. જરૂર ચા પીશ, આપને ત્યાં.’

અને થાકેલા યુવાને ચાની તૈયારી કરવા માંડી. ઘરમાં - એટલે નાનકડી ચાલની ઓરડીમાં બે જ પ્યાલારકાબી હતાં. મિલની મજૂરીએ જતો આ સંસ્કારી પુરુષનો પુત્ર ઉતાવળમાં બંને પ્યાલા ધોયા વગર મૂકીને ચાલ્યો ગયો હતો. તે તેણે અત્યારે ધોયા એ જ્યોત્સ્નાએ જોયું. સુરેન્દ્રે ઊઠીને તેને સહાય કરવા માંડી. મહેલમાં નિવાસ કરતી જ્યોત્સ્નાને ઘણીયે ઇચ્છા થઈ કે તે તેની સ્વાભાવિક સ્ત્રીદક્ષતા વડે અણઘડ યુવાનોને ચા કરી આપે. પરંતુ મોટા ઓરડાઓ, મોટી છતો અને મોટી બારીઓથી ટેવાયેલી જ્યોત્સ્નાને આટલી નાનકડી ઓરડીમાં કેમ ઊભાં થવું અને બેસવું એની જ પૂરી સમજ પડી નહિ, એટલે તે બેસી જ રહી. ચા તૈયાર થતાં યુવાને એક પ્યાલો જ્યોત્સ્નાની સામે મૂક્યો અને બીજો પ્યાલો