આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ઊભો કર્યો, ને ગાય મારી. ગૌચર ઝૂંટવી લીધું. છતાં ય હું ન મારું? તો પછી ક્યારે મારું? કોને મારું?"

લખમણભાઇની આ દલીલ-સરણી હતી. જૂના સોરઠની એ વિચાર-પધ્ધતિ હતી. એણે ઉમેર્યું: "ને એમ હોય તો થાણદારનો દીકરો ભલે ને મને કોક દી ઠાર મારે. હિસાબ તો એમ જ પતે છે. એમાં વચ્ચે કાયદાનું પોથું શેનું ઘોડો કુદાવે છે?"

"કાયદો ઈંદ્રજાળ છે; એક ફાંસલો છે. ખરો કાયદો તો કોઇ પાળતું જ નથી. જુઓ ને, વાઘેરો ઉપર સરકારી મનવારોએ ગલોલા છોડ્યા તે ગલોલા તરબૂચ-તરબૂચ જેવડા; ને વાઘેરોની ગોળીઓ તો હતી સોપારી સોપારી જેવડીઃ એનું નામ જુદ્ધ? એનું નામ કાયદો? ઇન્સાફ ક્યાં રહ્યો'તો ત્યાં?"

પુનાએ કહ્યું:"હવે, ભાઇ, તમે આ ભણતર મેલી દીયો, ને ઝટ ક્યાંઇક આશરો લેવાની વાત પર આવો, નીકર જૂનાગઢની ગિસ્ત આવી જાણો!"

"આવે તો શું?" લખમણે કહ્યું: "આહીં મંદિરમાં જોઇ ઝાલે તેવી મગદૂર નથી."

"હાલો, તમને આશરો બતાવું," કહીને એ ઓરત ત્રણે જણાને દોરી ગઇ. દેવ-પ્રતિમાને પછવાડે એક પથ્થરને જમણી બાજૂના ખૂણા ઉપર દાબતાં જ પથ્થર ખસ્યો: ભોયરું ઊઘડ્યું.

"તમને હું ફસાવતી હોઉં એમ તો નથી લાગતું ને?" એટલું કહી હસતી-હસતી એ પોતે જ ભોંયરામાં ઊતરી ગઇ, ને નીચેથી એણે પથ્થર બંધ કરી દીધો.

ત્રણે મુસાફરોએ ધરતી જેવી ધરતી ભાળી.થોડી વારે ઓરત પાછી બહાર આવી.

"હવે ચાલો."

"ક્યાં?"

"ધજાલા દેવની સન્મુખે.”

"શા માટે?"

"સોગંદ લેવા કે, ચારમાંથી કોઇ જાન જાતાં પણ ખુટામણ નહિ કરીએ. ખુટામણ કરે તેને ધજાળો પહોંચે. ને મરવા સુધી આપણું બા'રવટું ચાલે. તેમાં

૯૨
સોરઠ તારાં વહેતાં પાણી