આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હનુમાનના કોઠાની ઝીણીઝીણી ખીલીઓ ઊપર બાવાએ ઘણી ઘણી ચીથરીઓ લટકાવી હતી. તેમાંથી 'ઘા-બાજરિયા'નામની વનસ્પતિની ચીથરી છોડીને ઓરતે ચારેક બાજરિયાં બાળી નાખ્યાં. તેની રાખ વાશિયાંગના જખમ ઉપર દાબી પાટો કસકસાવીને બાંધી લીધો. જખમ એક બાજુ થયો હતો.

બેહોશ પડેલા એ જખમીનું મોં ઓરત જોઇ રહી, ને બોલી: "આખરે તેં તો ધાર્યું જ કર્યું: તું મારી પાસે જ રહ્યો."

એના કલેજા ઉપર બાઇએ પંજો મૂક્યો. સામે બળતું ફાનસ એને કોઇ ચૂપચાપ જોઇ રહેલું જીવતું માનવી લાગ્યું.

થોડી ઘડી હાથ ખચકાયો. પછી એ હાથ જખમીની છાતી પર ચોરની જેમ, અપરાધીની જેમ મડાયો. જખમીના હૈયાના ધબકારાની ગતિએ એને ગભરાવી. એને ફાળ પડીઃ "આ તો જીવે એવું જણાય છે. શી વીતી? શી વીતશે?"

વાશિયાંગ જીવે તેનો ભય? શા માટે? ઓરત પોતાના અંતરના અટપટા ભોયરામાં જાણે કે દીવા વગરની ભટકતી હતી.


22. મરદનું વચન


તે પછીના મહિનાની બીજે, ત્રીજે, ચોથે,..પૂનમે - પંદરે પંદર અજવાળિયાંએ રોમાંચક બનાવો દીઠા. ભદ્રાપુરનો કાઠી દરબાર ગોદડવાળો વીફરીને પ્રગટ ધિંગાણે ઊતર્યો. એના જૂથની બંદૂકોએ ગોળીબારોની ધાણી ફોડી. તેની સામે મહીપતરામની પોલીસ ટુકડીએ રૂનાં ધોકડાંના ઓડા લીઢા. શત્રુની ગોળીથી સળગી ઊથતાં ધોકડાં પર પાણી છંટાવતો, ધોકડાં રોડવી-રોડવી, તેની પછવાડેથી તાસીરો ચલાવતો મહીપતરામ ગોદડવાળાના મોરચાની લગોલગ જઇ પહોંચ્યો; ને એણે સાદ પાડ્યો: "ગોદડવાળા! જીવતો સોંપાઇ જા. મારું બ્રાહ્મણનું વચન છે કે, તને સાચવી લઇશ."

ગોદડવાળાએ લાકડી ઉપર ફાળિયું ચડાવીને ધોળી ઝંડી ઊંચી કરી.

૧૦૧
સોરઠ તારાં વહેતાં પાણી