આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"મઇ વો પોલિટિકલ વિઝડમ (રાજદ્રારી ડહાપણ) ટુમારે પાસ નહિ સીખને મંગટા." સાહેબે ભવાંને ભેગાં કરતાં કરતાં કહ્યું: "એક જ બાટ હમેરા દિલમેં ઊટર ગઇ હય: ટુમને હમારી નેકી પર વિશ્વાસ રખ્ખા. બસ, અબ હમ દેખેંગે."

મહીપતરામના મોં પર આ જવાબે એક ગર્વમિશ્રિત આનંદની લાગણી છાવરી દીધી. એની છાતી ટટાર થઇ.

"ઔર કુછ?" સાહેબે પૂછ્યું. "ટુમારી બદલી કે લિયે તૈયાર રહેના."

મહીપતરામ અબોલ રહ્યા.

"ક્યોં! નારાજ?"

"સાહેબ બહાદુરને વાંધો ન હોય તો પૂછું."

"હાં."

"ક્યાં બદલી કરશો?"

"પાંચાલમેં. ઠાનદારકા ખૂની લોક ઠાંગા હિલ્સ (ડુંગરા) મેં છીપે હય. પકડ કર લાઓ."

મહીપતરામ કશું બોલ્યા વિના સાહેબની સામે તાકી રહ્યા.

"ક્યોં ચૂપ! ડર ગયા?"

"નહિ." મહીપતરામના મોં પર સાહેબના આક્ષેપે વેદનાનો લેખ લખ્યો. "મારો ભાણેજ હાઇસ્કૂલમાં ભણે છે. તેનું ભણતર રઝળી પડશે. એ એક જ વાતથી હું અચકાયો, સાહેબ."

"ટબ ક્યોં બોલટા નહિ? હંઇ! દેખો: હિઝ હાઇનેસ વિક્રમપુર ઠાકોર સા'બ ઇઢર આટા હૈ. ટુમારા ભાનેજ કે લિયે હમ સ્કોલરશિપ મંગેગા ઉસકે પાસ. ડોન્ટ વરી (ફિકર ન કરો), રાવ સા'બ!"

૧૦૫
સોરઠ તારાં વહેતાં પાણી