આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હતા. એનો સીનો, એની હાથકડીમાં જડેલા હાથનો અભિનય, એનું પડકારતું મોં, એની પહોળાતી અને ઊપસતી છાતી - તમામના પડછાયા ચૂનાબંધ દીવાલ પર વિગતવાર અંકાતા હતા. રૂપેરી પડદા પર જાણે નાટક રચાતું હતું. અધૂકડાં બીડેલાં બારણાંની આરપાર ધણી-ધણિયાણી બાજુના ઓરડાની ભીંતો પર પિનાકીના દેહ-મરોડો નિહાળતાં-નિહાળતાં ઊંઘી ગયાં. ને મોડી રાત સુધી પિનાકીએ દેવુબા પર કટ્ટર બદલો લેવાની સજાવટ કરી, પછી એ ઊંઘવા મથ્યો; પણ ઊંઘ ન આવી.

મેળાવડામાં જવા પિનાકી ઘેરથી નિકળ્યો ત્યારે મોટીબાએ એની વાંકડિયા વાળની લટો સમારતાં સમારતાં કહ્યું: "ભાણા, રાણીસા'બ તને બોલાવે તો પૂછજે હો - કે, મારાં મોટીબાને આપની પાસે બેસવા આવવું છે, તો ક્યારે આવે? ને જો આપણે ઘેર પધરામણી કરવાનું માને તો તો રંગ રહી જાય, હો દીકરા! બધી વાત તારા હાથમાં છે."

'એવી નપાવટ સ્ત્રીને આપણે ઘેર લાવીને શું કરવું છે?' આવું કશુંક બબડતો બબડતો ભાણો સાઇકલ પર છલાંગ્યો. મોટીબાએ પોતાના ઘરના ઊંચા ઓટા પર ઊભીને ભાણાને જતો નિહાળ્યો. કાળી કાળી ઘોડાગાડીઓના મૂંગા પૈડાંની વચ્ચે થઇને સફેદ કોટપાટલૂનમાં સજજ થયેલું એ ફૂટતું જોબન સાઇકલને છટાથી રમાડતું સરતું હતું. રાજકોટ શહેરની સોહામણી બાંધણીમાં એ રૂપ રમતું જતું હતું. જ્યુબિલી બાગને નાકે ટટાર ઊભેલો પોલીસ પિનાકીને સલામ કરતો હતો. રાવસાહેબ મહીપતરામની વીરતાએ એજન્સીના સિપાઇઓને એક નવી જ ખુમારીનો પ્યાલો પાયો હતો. સિપાઇઓ વાતો કરતા હતા કે, 'ભાણાભાઇ તો રાવસાહેબથી સવાયા થવાના. નાશક જઇને પોલીસ-પરીક્ષા આપે, તો હાલ ઘડી ફોજદારની જગા મળે.'

"હમણાં હમણાં છ મહિનામાં તો ઠીકઠીકનું ગજું કાઢી ગયો છે જુવાન!"

"એને માથે પંજો છે."

"કોનો?"

"રૂખડિયા દેવનો."

"રૂખડિયો દેવ?"

"હા, ઓલ્યો રૂખડ શેઠ ફાંસીએ ગયો ને, તે દેવ સરજ્યા છે.

૧૦૮
સોરઠ તારાં વહેતાં પાણી