આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પણ આવો જ કોઇ ભેદ હોવો જોઇએ, એવા તર્કવિતર્કો પોલીસો કરતા. વાતો કરતાં કરતાં પણ થથરી ઊઠતા.

વાતો કરતા પોલીસ હોશિયાર બન્યા, કેમકે ઘોડાઘાડીના ધ્વનિ ગુંજ્યા. ચાર ઘોડા જોડેલી ખુલ્લી ગાડી રબરનાં પૈડાં પર રમતી આવી. ઘોડાના ડાબલાએ પાકી સડક ઉપર મૃદંગો બજાવ્યાં. આગળ ઘોડેસ્વારો, પાછળ ઘોડેસ્વારો, સવારોના રંગબેરંગી પોશાક, ગાલો પર સાંકળીઓ, ચકચકિત લોખંડની એડીઓ, બાહુ પર ખણખણતી લાંબી કીરીચો ને હાથમાં નેજાળા ભાલા: એવી રાજસવારીઓ રાજકોટને સવિશેષ સોહામણું બનાવતી હતી.

આ 'ફેટન' પસાર થઇ ગયા પછી પોલીસનું મંડળ ફરીથી બંધાયું. ને ચર્ચા ચાલીઃ

"વિક્રમપુરના ઠાકોર સાહેબ."

"નવું પરણેતર."

"મલાજો આજથી કાઢી નાખ્યો."

"દેવુબાનાં તો રૂપ જ બદલી ગયા."

"રાજનું સુખ કેને કે' છે?"

"આ બૂઢાની સાથે રાજનું સુખ?"

"માનવી! આ-હા-હા-હા!" એક પોલીસે તત્ત્વજ્ઞાન છોડ્યું: "માનવી પોતે તો ચીંથરું જ છે ના! શી આ છોકરીની સૂરત બની ગઇ! ભીનો વાન હતો, તેને ઠેકાણે ગુલાબની પાંદડિયું પથરાઇ ગઇ, મારા બાપ! હા!હા!હા!"

"એમાં નિસાપા શીના નાંખો છો, દાજી!"

"તાલકું! તાલકું!" કહીને તત્વજ્ઞાનીએ લલાટ ઉપર આંગળી ભટકાવી.

ને રાજસવારી હાઇસ્કૂલના ચોગાનમાં વળી ગઇ. ઘોડાઓએ અજબ સિફતથી કૂંડાળું ખાધું.

પોશાક પહેરવા ખંડની અંદર પિનાકીના કલેજામાં તે વખતે ધરતીકંપ ચાલતો હતો.

૧૧૦
સોરઠ તારાં વહેતાં પાણી