આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ઘણે ભાગે એ રીતની જ દારખાસ્ત મૂકતો કે, અમુક આઉટ-પોસ્ટ પર કડક આદમીને મૂકવાની જરૂર છે: તાબાની વસ્તી અતિશય ફાટી ગઈ છે, માટે ફલાણા બાહોશ અમલદારને ત્યાં મૂકવો જોઈએ.

અંગ્રેજ અધિકારીઓ તે કાળમાં ઘણુંખરું લશ્કરી ખાતામાંથી જ આવતા તેઓને કડક બંદોબસ્તની વાત જલદી ગળે ઊતરી જતી. શિરસ્તેદારનું નિશાન ખાલી જતું નહિ.

શીતળ નામના સ્ટેશન પર બે દિવસોથી બળદ-ગાડાં છૂટેલા હતાં. બેકાર બળદો કંટાળી ઊભા થતા, ને પાછા બેસતા, કાબરા બળદનું છોલાયેલું કાંધ ઠોલતો કાગડો જોરાવરીથી પૈસા ઉઘરાવનાર ફકીરની યાદ આપતો હતો. બળદનું પૂછડું ભગ્ન હ્રદયથી પ્રેમિકની પેઠે નિરુત્સાહે ઊપડતું હતું, તેથી કાગડો બે-ચાર વાર ઊડી ઊડી નિર્ભય બન્યો હતો. બન્ને ગાડા-ખેદુ કણબીઓએ પોતાના બળદ પાસે નીરેલી કડબ ખાવા આવતી બાડી ગાયને 'હો હો ગાવડી!' કહી હોકારવાનું ય છોડી દીધું હતું. ચલમમાં પીવા માટે ગોળના પાણીમાં કેળવેલી ગડાકુ ખૂટી ગઈ હતી, તેથી બીડીનાં ખાલી ખોખાંનો ચૂરો કરી એક ગાડાવાળો ગડાકુની ચામડાની કોથળીમાં રહેલો કસ લૂછતો હતો. સાથે આવેલા બે પસાયતા (ગ્રામ ચોકિયાત) પૈકીનો એક જણ બાજુના વડ નીચે બેઠેલા એક બાવા પાસે જઈ પોતાના પિત્રાઈનું મોત થાય એવું કંઈક મંત્રતંત્ર કરાવતો હતો. બીજો જુવાન પસાયતો નાના આભલામાં જોઇ વારેવારે પોતાના ઑડિયાં [૧] ઓળતો હતો.

સ્ટેશનના ગોદામ પરથી મરચાંના કોથલા એક કાળા વેગનમાં પછડાતા હતા. તેથી ઝીણી રજ ઊડવાથી ચોપાસ 'ખોં-ખોં' થઈ રહ્યું હતું.

સ્ટેશન-માસ્તરની સગર્ભા સ્ત્રી એક વરસના છોકરાને તેડીને પોતાના ઘરને ઓટે ઊભી ઊભી બૂમો પાડતી હતી : "ખબરદાર - એઇ ગાડાવાળાઓ, કોઇને છાણના પોદળા લેવા ન દેશો."

"એ હો બેન." કહીને ગાડા-ખેડુ એક સાંધાવાળાને છાને સ્વરે મર્મ કરતો હતો : "માસ્તરાણી છે ને?"

"નહિ ત્યારે?" સાંધાવાળો સામા સવાલથી ગાડાવાનોના આવા અજ્ઞાનની નવાઇ દાખવતો હતો.


  1. ઑડ્ય - ગરદન સુધીના લાંબા વાળ
સોરઠ તારાં વહેતાં પાણી