આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રુઆબી દેહ પગથિયાં પર દેખાયો: જાણે સામ્રાજ્ય ચાલ્યું આવતું હતું. મેજરની લશ્કરી પદવી પામેલો એ પડછંદ અંગ્રેજ હતો. અર્ધે માથે એને ટાલ હતી.

એને દેખી ઠાકોર સાહેબ ઊઠ્યા. બે ડગલાં આગળ ધરી હાથ મિલાવ્યો. કમ્મરમાં જાણે કમાન નાખેલી તેવી અદાથી ઠાકોર સાહેબની છાતી સહેજ નમી પડી. ગોરો અક્કડ જ રહ્યો.

"હલ્લો! યોર હાઇનેસ રાની સાહેબ!" કહેતો ગોરો અઢાર વર્ષની દેવુબા તરફ વળ્યો, ને એણે પંજો લંબાવ્યો ને કહ્યું: "તમે પરદો કાઢી નાખ્યો તે બદલ અભિનંદન!"

નિરુપાયે રાણી સાહેબે પોતાનો નાનો-શો હાથ કાઢીને પ્રાંત સાહેબના હાથમાં મૂક્યો.

ગોરાએ રાણી સાહેબની જમણી બાજુએ આસન લીધું. ઠાકોર સાહેબ અને પ્રાંત સાહેબ વચ્ચેનો તફાવત ત્યાં પોતાની ભાત પાડી રહ્યો. બેઉ કદાવર છતાં એક હરી-ઝરિયાનની ઢીલી-વીલી કોથળીને, બીજો શાસન-સત્તાનો સીધો સુદ્દઢ સુવર્ણ-સ્તંભ.

ગોરાની આંખ પછવાડે ત્રાંસી થઇ, તેણે સુરેન્દ્રદેવને દીઠા. ગોરાના ચહેરા પર કરચલીઓનાં બે અળશિયાં આલેખાઇ ગયાં.

રંગાલય ઊઘડ્યું. ગુજરાતના મહાકવિએ રચેલું 'રાજેન્દ્રદેવ' નામે ગીત બોલાવા લાગ્યું. ઠાકોર સાહેબના હાથ આપોઆપ જોડાઇ ગયા.

આખી પ્રાર્થના ચાલુ રહી ત્યાં સુધી ટેડી ગરદને પછવાડે ઝૂકેલા એ ગોરા અફસરને અને સુરેન્દ્રદેવનો કશોક વાર્તાલાપ થતો રહ્યો. ગોરાના મુખ પર ઉગ્રતાનાં ગુંચળાં વળતાં હતાં, એના ધીરા વાર્તાલાપમાંથી 'કેકટસ' 'કેકટસ' એવા શબ્દો ધમણો ધમાતી ભઠ્ઠીમાંથી તિખારા છૂટે તેમ છૂટતા હતા.

‘કેકટસ' એ હાથિયા થોરનું અંગ્રેજી નામ છે. સોરઠમાં તે વખતે દુષ્કાળ ચાલતો હતો. ઘાસચારા વગર દુઃખી થતાં ઢોરને થોરનાં ડીડલાં કાપીને ખવરાવવાની ધૂન કોઇએ અંગ્રેજનાં ભેજામાં બેસાડી હતી. સુરેન્દ્રદેવજીને સાહેબ દમદાટી દઇ રહેલ હતા કે, "તમારે ઘાસ હો યા ન હો, મને તેની પરવા નથી. તમારે કેકટસ ઢોરને ખવરાવવાં ન હોય તો કંઇ નહિ; પણ તમારે પત્રક

૧૧૩
સોરઠ તારાં વહેતાં પાણી