આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તો રોજેરોજનાં ભરી મોકલવાં જ પડશે. "

"હું એવું જૂઠું નહિ કરી શકું."

"સ્ટુપિડ (બેવકૂફ)..." વગેરે પ્રયોગો સાહેબના વાર્તાલાપમાં વિરામચિહ્‍નો જેવાં હતાં. સુરેન્દ્રદેવ એને મચક નહોતા આપતા. એના ચહેરા પર પણ લાચાર મગરૂરીના ગુલાબી અંગારા ધગતા હતા.

હાથિયા થોરની વાત પરથી સાહેબ સુરેન્દ્રદેવજીના એક બીજા અપરાધ પર ઊતરી પડ્યા: "તમારો છોકરો ક્યાં ભણે છે?"

"મારા ગામની જ નિશાળમા."

"રાજકુમારોની સ્કૂલમાં કેમ નથી મોકલતા?"

"ત્યાં જે શિક્ષણ આપવામાં આવે છે તેને માટે મારો છોકરો હજુ ઉંમરલાયક નથી." કહીને સુરેન્દ્રદેવે મોં પર રમૂજ ધારણ કરી. એ જવાબમાં પ્રકટ ઘૃણા હતી.

"જોઇ લઇશ." સાહેબે દાંત ભીંસ્યા.

ઠાકોર સાહેબ સુરેન્દ્રદેવ તરફ ઠંડા બનવાની ઇશારતો કરતા હતા.

રાણીસાહેબને ગમ નહોતી પડતી કે આ શો મામલો મચ્યો છે.

એકાએક ગોરા સાહેબના કાન પર શબ્દો પડ્યાઃ

"આઇ એમ થેશિયન એન્ડ એ સોલ્જર (હું એક રાષ્ટ્રપુત્ર છું, અને સિપાઇબચ્ચો છું)."

સાહેબની ટેડી ગરદન સીધી બની. વિસ્મયની અને ગભરાટની એક પલ વીતી ગઇ. સાહેબે જોયું કે આ તો રંગાલય પરના બોલ છે. તાબેદાર દેશનાં છોકરાં આ તો વેશ ભજવી રહ્યાં છે. આ સૃષ્ટિ સાચી નથી.

રંગાલય પર શાહસિકંદર અને ડાકુ સરદારની વચ્ચેનો પ્રસંગ ચાલતો હતો. સિકંદર સિંહાસન પર બેઠો છે. આઠ છોકરાઓ એના સાયાની ઝૂલતી કિનાર પકડી છે. તખ્તની સન્મુખે જંજીરે પકડાયેલ એક ચીંથરેહાલ જુવાન ઊભો છે. એનો એક ક્દમ આગળ છે. તેની છાતી આગળ ધસવા છલંગ મારી રહી હોય તેવી ભાસે છે. ને 'તું જ પેલો ડાકુ કે?' એવા સિંકદરના સવાલનો એ છોકરો રુઆબીથી જબાબ વાળે છે કે," હું રાષ્ટ્રપુત્ર છું ને સિપાઇબચ્ચો છું.'

પાઠ ભજવનારાઓએ સભાજનોને એકતાન બનાવી નાખ્યા. ત્યાં બેઠેલા

૧૧૪
સોરઠ તારાં વહેતાં પાણી