આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સમજાયો. રાણીસાહેબ તો જાણે વાતમાંથી નીકળી ગયાં ગતાં. એની મીટ રંગાલય પર જ જડાઇ ગઇ હતી. ડાકુ પાઠ કરનાર છોકરાના દેહમાં તેમ જ શબ્દોમાં જે ઠંડી વિભૂતિ ધખધખતી હતી, તેનું એ રજપૂત સુંદરીને ઘેલું લાગ્યું હતું.

"માફ કરજો, ઠાકોર સાહેબ!" કહેતા સાહેબ ઊઠ્યા. "મારે તાકીદનું કામ આવી પડ્યું છે, એટલે હું આપના તેમ જ રાણીસાહેબના સુખદ સમાગમને છોડી જાઉં છું.

ઠાકોર સાહેબે ઊઠીને તેમને વિદાય આપી.

"ફરી મળીશું ત્યારે આનંદ થાશે," કહેતાં કહેતાં સાહેબે સુરેન્દ્રદેવ તરફ એક સ્મિત વેર્યું.

"જરુર." સુરેન્દ્રદેવ ઊઠવા - ન ઊઠવા જેવું કરીને બેસી રહ્યા. એમના પહોળા વરદ પર એની એ પ્રસન્નતા રમતી રહી. ભલભલી સ્ત્રીઓને પણ ઇર્ષ્યા કરાવે તેવો સુરેન્દ્રદેવના ભાલનો કંકુ-ચાંદલો સોરઠની સપાટ અને અસીમ ભોમકા ચચ્ચે એકલવાયા લચી પડતા કોઇ ચણોઠીના છોડ જેવો સોહામણો લાગતો હતો.

ઇનામોની લહાણી શરૂ થઇ. હેડ-માસ્તરે સહુને કહી રાખ્યું હતું કે ઇનામ પેતાં પહેલાં અને લીધા પછી બન્ને વાર, રાણી સાહેબને નમન કરવાનું ન ભૂલશો હો! જે ભૂલ્યા તેણે આ સોટીને સારુ પોતાનો બરડો સજ્જ રાખવાનો છે.

પહેલું જ નામ પિનાકીનું બોલાયું. પિનાકી કશા ઉત્સાહ વગર આગળ વધ્યો. એણે નમન ન કર્યું. એ કોઇ બાઘાની માફક રાણી સાહેબની સામે ઊભો રહ્યો. સાહેબ લોકોનાં છોકરાંને હાથે જીવતાં ઝલાઇને ટાંકણી વતી પૂંઠાં પર ચોડાતાં સુંદર પતંગિયાં જેવી એની દૃષ્ટિ રાણી સાહેબના મોં પર ચોંટી રહી. ઇનામ આપવા માટે એ સુંદર હાથ લંબાયા પણ પિનાકી ગભરાયો. ઇનામ લેવા જતાં કદાચ પોતે એ હાથને પકડી બેસશે એવી એને ધાસ્તી લાગી. ઇનામ લીધા વિના જ એ પાછો વળી ગયો.

સભાનો રંગ વણસ્યો. હેડમાસ્તરના હાથમાં સોટી ગમગમી રહી. બીજાં ઇનામો વહેંચાઇ ગયાં પછી બહુ આગ્રહને વશ થઇ સુરેન્દ્રદેવ થોડું પ્રવચન

૧૧૬
સોરઠ તારાં વહેતાં પાણી