આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ઘાસ વાગોળે તેમ પાનનાં બીડાંને બત્રીશે ખુલ્લા દાંતો વચ્ચે કચડતા તુર્કીના પાટનગર કોન્સ્ટાન્ટીનોપલ અને આડ્રીઆનોપલ વિષે સમજણ કરતા હતા. એકે પૂછ્યું: "હી લડાઈ મેં પાજી તુરકી જો કી મામલો આય, હેં ભા? છાપા મેં ન્યારેલ આય?"

"તડેં? ન્યાર્યા વગર તો કાફર હોય ઇ રીયે."

"તડેં ઘાલ કી આય!"

"ઘાલ હી આય કે પાંજી તુરકીહા બો પુલ : હકડો કનસ્ટી જો પુલ; ને બ્યો આદ્રીપાજો પુલ : હણે રૂશિયા ચ્યે કે હકડોપુલ પાંજે ખપે, ને અંગ્રેજ ચ્યે કે, બોય પુલ અસાંજે ખપે. પાંજી તુરકીએ જવાબ ડનો કે..."

તે પછી તો બેઉ મેમણ ભાઈઓએ પોતાની એવી સ્વાભાવિક બોલી ફેંકવા માંડી કે એ બોલીનું કલાત્મક ઉચ્ચારણ પુસ્તકો લખવાની બનાવટી ભાષામાં કોઈ વિરલા જ કરાવી શકે. પિનાકી તો એક જ વાત નીરખતો રહ્યો હતો, કે હિંદુસ્તાનના એક અંધારા ખૂણામાં પડેલા મેમણો દૂર દૂરને દુનિયામાં પડેલ તુર્કીને 'પાંજી (આપણી) તુર્કી' કહી રહ્યા હતા ને એવી વહાર કરવા માટે અત્યારથી જ ઉઘરાણાંની ધૂને ચડ્યા હતા.

જેતલસર સ્ટેશને પિનાકીની ટિકિટ ખતમ થતી હતી, એ ઉતર્યો, 'ક્યાં જવું?' પાછા જ જવું બહેતર નહોતું? મોટાબાપુજી અને મોટીબા કેટલા ફફડ્યા હશે આખી રાત? રૂબરૂ હોત તો કદાચ રોષ કરત; પણ અત્યારે મારી કેવી કેવી દુર્ગતિ કલ્પીને મોટાબાપુજી કોમલ બન્યા હશે! બહુ અકળાતા હશે. પાછો જ જાઉં.'

પરોઢિયાના પહોરમાં પ્લૅટફોર્મ ઓળંગવા જતા જ સ્ટેશનની હોટેલમાંથી કોઇકનો લલકાર કાને પડ્યો"

અંગરેજ ને જરમન આફળે : બળિયા જોદ્ધા બે;
એવું ત્રીજું લખમણ તેં ગરમાં રણ ગગડાવિયું.

કોઈક મીર પોતાના સતારની ઝણઝણાટીને તાલે તાલે દુહા ગાઈ રહ્યો હતો, પિનાકી સ્ટેશનની સીડી ઉપર થંભ્યો, એણે વધુ દુઆ સાંભળ્યા :

થાણદાર થથરી ગયા, લલના વેશે લપાય;
રાજીનામાં જાય, લાખું મોઢે, લખમણા!

૧૨૩
સોરઠ તારાં વહેતાં પાણી