આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અને વળી-

લખમણીયા ભેળી ભળી, ભગની ભગવે વેશ;
પીરાની પગ લગી, (જેના) ઝુલે જોગન-કેશ.

પિનાકીના કાન ખડા થયા. 'પીરાણી', 'જોગણ' અને 'ભગિની' વગેરે શબ્દો સજીવન બન્યા. એને મામી યાદ આવ્યા. 'મામી' બહારવટિયામાં જઈ ભળ્યાં હતાં એની પિનાકીને ખબર હતી. દુહાએ 'મામી'ની સુંદરતા કંડારી નાખી. ઊગતા પ્રભાતમાંથી 'મામી' જાણે કે સપ્તાશ્વ સૂર્યને જોડાજોડ પીરાણી પર સવાર બની ચાલ્યાં આવતાં હતાં. ઊંચા રેલવે પુલ પરથી ધોરાજીની ધાર પાછળનો સૂરજભાણ દેખાતો હતો. સીમાડે જ જાણે એના સાત અને મામીની એક - એમ આઠ ઘોડલાંની હમચી ખૂંદાતી હતી.

મીરે ત્રીજો દુહો બેસાડ્યો :

તું બીજો લખમણ જતિ; ભડ ! રમજે ભારાથ;
જતિ-સતીના સાથ સરગપાર શોભાવજો!

"વાહ, દુલા મીર, વાહ! " સાંભળનારાઓના હાથમાં ઝગતી બીડીઓ થંભી ગઈ. "આ દુહા લઈને જો એક વાર ગરના ગાળામાં જઈ પહોંચ ને, તો તારું પાકી જાય, બૂઢા!"

"અરે મારા બાપ!" બૂઢો મીર ડોકું ડગમગાવતો હતો. ગરના ગાળામાં તો હવે જઈ રિયા ને લખમણભાઈની મોજ તો લઈ રિયા. આ તો દિલડામાં અક્કેક દુહો, વેળુમાં મગરમચ્છ લોચે ને, તેમ લોચતો હતો, તે આજ તમ જેવા પાસે ઠાલવી જાઉં છું."

પિનાકી પાસે આવ્યો. એણે મીરના ખોળા પર એક આઠ-આની મૂકી, બૂઢા મીરે આંખો પર નેજવું કરીને નજર માંડી.

"કોણ છો, ભાઈ?"

"વિદ્યાર્થી છું."

મીર ન સમજ્યો. બીજાઓએ સમજ પાડી.

"નિશાળિયો છે નિશાળિયો. મોતી મીર!"

"ભણો છો?" મોતી મીરની અરધી જીભ ઓચિંતા વિસ્મય અને આનંદને લીધે બહાર લબડવા લાગી.

૧૨૪
સોરઠ તારાં વહેતાં પાણી