આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"હા જી..."

મીરને કોઈકે આજે જીવનમાં પહેલી વાર 'જી' કાર કહ્યો. એની જીભ વધુ લાંબી થઈ. જીભમાંથી સુખાનુભવની લાળો પણ ઝરી.

"કવિરાજ!" પિનાકીએ પૂછ્યું: "જતિ ને સતી ક્યાં છે? મને કહેશો?"

"એક જ ઠેકાણાની ખબર છે."

"કયું?"

"મારા અંતરમાં રહે છે." એમ કહીને મીર એટલું બધું હસ્યો કે એને ખાંસી ઉપડી ગઈ.

બીજા એક જણે કહ્યું: " ભાઈ, તું બાતમી લેવા તો નથી આવ્યો ને?"

પિનાકીને હજુ આ આક્ષેપ સમજાતો નહોતો. બહારવટિયા સરકારના ઘોર ગુનેગારો છે તે વાતનો ખ્યાલ જ એ ચૂકી ગયો હતો. એ તો જાણે કોઈ જૂના યુગનો ઇતિહાસ ભણી રહ્યો હતો એટલે એ જવાબ ન આપતાં મૂંગો રહ્યો. એના મૌને મિજલસમાં વિશેષ શંકા ઉપજાવી. કોઈકે કહ્યું: 'ભાઈ, જાળવજો હો, અમારાં હાંડલાં ક્યાંક અભળાવી દેતા નહિ. અમે તો, મારા બાપા, મોટી માલણના તરફના માલધારિયું છીએ. બે ગડી સુગલ કરીએ છીએ."

બધા પિનાકીએ હાથ જોડવા લાગ્યા. પિનાકી શરમિંદો બન્યો. આ કૉડા જેવડી મોટી આંખો : આંખોમાં ગાંજાની ખુમારીનું અંજન : બાજઠ જેવી આ છાતીઓ : બંદૂકો જેવી આ બબે ભુજાઓ : ધિંગી આ દાઢીઓ : ને થાંભલા જેવા આ પગ : એ જ આ લોકો, આ સિંહોને તગડનરાઓ, આટલા બધા ગભરુ! આટલા બધા રાંકડા! પિનાકી ખસી ગયો. ભયભીત માલધારીઓ એક પછી એક સરકી ગયા. બેસી રહ્યો ફક્ત એક મોતી મીર, એણે સતાર ચાલુ રાખી. નવો દુહો મનમાં બેસાર્યો :

અંગરેજ ! તુંને અકલ નહિ; ડાયા તણો દકાળ;
(નકર) તેડાવત તત્કાળ લાજ રખાવણ લખમણો.

કેમકે અરે અંગરેજ!

તમે માંજરા મરકટાં : એ રઘુપતનો વીર;
જરમર(જર્મન) વાંદરડાં નમત, એને બની અધીર.

૧૨૫
સોરઠ તારાં વહેતાં પાણી