આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"એકાદ દી આંહી આવીએ તો દાંતેય ન કાઢવા અમારે?"

ને બીજાએ ઉમેર્યું : "ઘરે પોગ્યા પછી તો રોવાનું છે જ ને, બાઇ!"

"રહો તમે રોયાઓ! એલા, સાહેબને બોલાવી લાવ. એને સીધા કરે." માસ્તર-પત્નીએ સાંધાવાળાને હુકમ કર્યો.

"એ લ્યો બોલાવું." કહી સાંધાવાળો આ સ્વાભાવિક ભાઈબંધો પ્રત્યે આંખ મારતો સ્ટેશન તરફ ચાલ્યો ગયો.

"ગાડી છૂટી... છે..." એવો માસ્તરનો પુકાર પડ્યો. ડંકા બજાવીને થોડી વારે સાંધાવાળો સાંધાનો હૅન્ડલ દબાવી, ઉપર ઘોડો પલાણીને બેસી ગયો. મડદા જેવા સ્ટેશનમાં નવસૃષ્ટિ સળવળી ઊઠી. ગાડી આવી ત્યારે ચારેય ગામડિયા દરવાજાની બહાર 'રેલિંગ'ની પડઘી ઉપર પાંજરાપોળની પીંજરગાડીમાંથી ડોકિયું કરી જોતાં ઓશિયાળા કૂતરાંની માફક તાકી રહ્યા.

હાંફતી-હાંફતી ગાડી ઊભી રહી. કેટલાંક ઉતારુઓ ઊતરતાં હતાં, તેમાં અમલદાર કયો તે આ ચાર જણ એકદમ નક્કી ન કરી શક્યા. ભૂલભૂલમાં ભળતા પોશાકવાળા બે-ચારેકને સલામો પણ કરી નાખી.

આખરે એક આધેડ આદમી દરવાજા પર આવ્યો. એના હાથમાં પાતળી, રાતી, પીળી પડી ગયેલ જસતના ટોપકાવાળી સોટી હતી. સોટીને એ પોતાની ખાખી બ્રિચીઝના, થીગડું મારેલ પિંડીના ભાગ ઉપર પટકાવતો હતો. એની ભરાવદાર કાબરી મૂછોના થોભિયાએ પાકી ખાતરી કરાવી આપી કે, આ જ આપણા સાહેબ.

ચારેય જણાએ "મે'રબાન!" એમ બોલી સલામ કરવા કપાળ પર ચતો હાથ મૂક્યો - કેમ જાણે ખેતરમાં કામ કરતા કરતા પરસેવો લૂછતા હોય.

સોટી વતી સલામો ઝીલીને પ્રભાવશાળી બનવા મથતા એ પુરુષે ભરાવદાર અવાજે પૂછ્યું : "એલા, ભેખડગઢથી કોણ તમે જ આવ્યા છો કે?"

"હા, મે'રબાન, બે દીથી બેઠા છીએ." મોટેરો પસાયતો બોલ્યો.

અમલદારે પ્રસન્નતા બતાવી, એથી ઉમંગમાં આવી જઈ એક ગાડાવાળાને કહ્યું  : "આપ સાહેબની બહુ વાટ જોઈ. કાં'ક કામ આવી ગયું હશે ને! નીકર તો કાંઇ ડાયું માણહ ગાડી ચૂકે?"

સોરઠ તારાં વહેતાં પાણી