આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

“કારણા તારું દિલા પોચું છે. આંસુડાં પાડી શકછ ને? અમારાં ગળાં પણ એટલી જ સહેલથી તું સોંપી દે એવો છો.”

“જોરાવરીથી મને રોકશો?”

“જોરાવરીથી તને પરણાવી શકાણું તો જોરાવરીથી રોકવામાં શી મુશ્કેલી છે?”

“ઠીક, હું તો હસતો હતો. હવે મારે જઈને શું કરવું છે? આંહી તમારી છાયામાં જ મરવું મીઠું સમજીશ.”

વાશિયાંગે બોલ તો ગોઠવ્યા, ફણા એ બોલમાં પોતે સ્વસ્થતાના સૂર ના પૂરી શક્યો. એના ઉદગારમાં ગભરામણ હતી. ઓરતની રૂપાળી આંખોમાં એણે ભયાનકતા ભાળી, લાગ્યું કે પોતે કોઈ મગરનાં ડાચામાં પેઠો હતો.

“ધજાળાની જગ્યામાં તેં કહ્યું‘તું ને, કે દોણ ગઢડાનાં મકરાણીને મારવો છે.” ઓરતે ભગવા ઓઢાણાની ગાતરી પોતાનાં અંગ ઉપર ભીડતાં ભીડતાં પૂછ્યું.

“હા.” વાશિયાંગે એ ગાતરીની ગાંઠ ઓરતના બે સ્તનોની વચ્ચોવચ્ચ ભિડાયેલી જોઈ. માથાના કેશ પર ઓરતે લીલો રૂમાલ લપેટીને ગરદન સાથે બાંધી લીધો હતો તે પણ જોયો.

“તો ઉઠ વીરા! સાસરે ગયેલી ઓલી માલધારીની દીકરી ચૂંથાઇ ગઈ છે. ચૂંથનાર મકરાણી ઈસ્માઈલ છે.”

વાશિયાંગનું પાણી મારી ગયું હતું. એના રૂંવાડાં ફરક્યાં નહિ. મીઠા સ્વજનની ગોદમાં મળતી હૂંફ સમી જે લાગતી હતી તે ઓરત હવે એને ત્રિદોષના તાવ જેવી લાગી.

“ચાલો.” એણે બનાવટી જવાબ આપ્યો.

ધરતીનો તે વખતે વિધવા વેશ બન્યો હતો. ભૂખરા ડુંગરા ખાખી બાવાઓ જેવા બેઠા હતા. સૂરજ કોઈ વાટપાડુની પેઠે ડુંગરા પાછળ સંતાઈ બેઠો હતો.

હીરણ નદીને તીરેતીરે બેઉ જાણ જોડે ચાલ્યાં. પુરુષ પછવાડે ચાલતો હતો. વધુ ને વધુ આંતર એ પાડતો ગયો. ઓરતે પણ પતંગનો દોર છૂટો મુકનાર બાળકની પેઠે વાશિયાંગને છેટો ને છેટો પડવા દીધો. એક નાની કેડી નોખી

૧૩૩
સોરઠ તારાં વહેતાં પાણી