આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પડતી હતી. ઓરત એને વટાવી ગઈ, પણ કેડીની ને ઓરતની વચ્ચે વાશિયાંગે એક ધાર આડી સૂતેલી દેખી. વાશિયાંગ કેડી ઉપર થંભ્યો. પળવાર થરથર્યો. પછી ભાગ્યો. પાછળથી એણે પોતાની પીઠ સોંસરો કંઈક સુંવાળો સંચાર થતો અનુભવ્યો. ભડકો સંભળાયો. છાતી ચિરાઈ ગઈ. વાશિયાંગ ફરંટી ખાઈને થોરના જથ્થા પર ઢળી પડ્યો.

ધાર ઉપર ઊભીને ઓરત હસતી હતી. એના હાથમાં બંદૂક હતી. બીડી પીને પછી ઊંડાણમાંથી છેલ્લા ધુમાડા કાઢતી હોય તેવી કોઇ વાઘરણ જેવું એ બંદૂકનું રૂપ હતું.

એ વાશિયાંગના શબની પાસે ગઇ. મુડદાના મોંમાંથી પાણી નીકળતું હતું.

હજુ તો હમણાં જ આવીને માલામાં લપાયેલાં પક્ષીઓ ભડાકાના ગભરાટથી ઊડી ઊડીને કિકિયાણ મચાવવા લાગ્યા. ફરી પાછાં ઝાડઝાંખરાં શાંત પડ્યાં. વનરાઇએ જાણે કે કોઇને વઢી લીધું.

ઓરતે પોતાની છાતી પર પંજો મૂકી જોયો. મનમાં કોઇક કારખાનાના ધડાકા ચાલતા હતા. પણ આંખો ન ફાટી પડી. કંપારી એક વાર છૂટીને રહી ગઈ. હું આટલી તો ઘાતકી બની શકી છું. 'એક મોટી તૈયારી થઇ ચૂકી છે' - એવી એક લાગણી લઈને એણે પગને વહેતા મૂક્યા.

'પણ એનાં બાયડી-છોકરાં...' એ વિચાર રસ્તામાં એની કાંધ પર ચડ્યા.

'તને પણ હું રુંધી નાખીશ.' ઓરતે પોતાના જ એ વિચારનો જવાબ વાળ્યો.

ડુંગરાને પણ એ જવાબ ન સંભળાયો.

૧૩૪
સોરઠ તારાં વહેતાં પાણી