આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

છતાંય ગોરો હસ્યો. માણસમાં મનમાં અગ્નિરસના ઓંધ ચાલી રહ્યા હોય છતાં એ હોઠ પર સ્મિત રમાડતો રહે, ત્યારે એની પાસે એવું યોગીપણું સધાવનાર જે કોઈ ભાવના હોય તે આપણાં માથાંને નમાવે છે – ભલે એ ભાવના સામ્રાજ્યવાદની હોય.

“કંઇ નહિ દરબાર સાહેબ, હું તમારી સ્થિતિ સમજું છું. હું ‘એ. જી.‘ને યોગ્ય રિપોર્ટ કરી નાખીશ. તમે ચિંતા ના કરશો.”

એટલું કહીને એણે ઘોડા હંકાર્યા.

*

એ વખતે ગિરના એક નાકા ઉપર શિકારનો એક કેમ્પ નખાતો તો અને એ કેમ્પમાં રમખાણ બોલી રહ્યું હતું.

“નહિ મિલેગા : બકરા હમેરી તરફસે નહિ મિલેગા તુમકો.“ એ અવાજ રાવસાહેબ મહીપતરામનો હતો. એ જવાબ સાંભળનાર સાહેબ લોકોનો બબરચી હતો. બબરચી ધૂઆંપૂઆં થઈ રહ્યો હતો. કેમકે પ્રાંત-સાહેબનાં બબરચીને આમ પોતાની કારકીર્દીમાં પહેલી જ વખત સાંભળવા મળ્યું કે, ‘બકરો નહિ મળે’

“અચ્છા! તબ હમ સાબકા ખાના નહિ પકાયગા!” એમ કહીને બબરચી રિસામણે બેઠો.

રાવસાહેબ મહીપતરામનું નવું પોલીસ-થાણું બે ગાઉ છેટે હતું, એમની તો નિમણૂંક બહારવટિયાના હંગામને કાનૂમઆં લેવા માટે થઈ હતી. ને હજુ તો ગઈ કાલે જ તાબાનું મોજણી ગામ ભાંગ્યું હતું. છતાં, સાહેબલોકોનો શિકારનો કેમ્પ ગોઠવવાની ફરજ બીજી સર્વ ફરજોથી અગ્રપદે ગણાતી હોવાથી, એમને અહીં આવવું પડ્યું હતું.

એક તાબેદાર અમલદાર તરીકે એમની તો ફરજ હતી કે સાહેબના બબરચીની પૂરેપૂરી તહેનાત એને ઉઠાવવી. પરંતુ રાવસાહેબની અંદર રહી ગયેલા 'બ્રાહ્મણિયા' સંસ્કાર રાવસાહેબને ભારે પડ્યા. પ્રમોશનો મેળવવાની સીડીનાં પગથિયાં સાહેબ લોકોની તે કાળની સૃષ્ટિમાં બે હતાં : એક પગથિયું સાહેબનો બબરચી; બીજું પગથિયું સાહેબનાં 'મેમ સા'બ' બેઉમાં બબરચીનું ચલણ સવિશેષ હતું.

એવા મહત્તવના માણસને રાવસાહેબ મહીપતરામ ન સાચવી શક્યા.

૧૪૦
સોરઠ તારાં વહેતાં પાણી