આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અમલદારે પસાયતાને કહ્યું, "સામાન લઇ લ્યો આપણો."

પ્લૅટફોર્મ પર અમલદારની સ્ત્રી ગાડીમાંથી સમાન ફગાવતી હતી, ને અમલદારની પુખ્ત દીકરી સવાએક મહિનાના નાના બચ્ચાને તેડી બાજુએ ઊભી હતી. દસ વર્ષનો એક છોકરો અમલદારની કીરીચ (વિલાયતી તલવાર) ઉપાડીને ઊભો હતો.

સામાન ઊતરી રહ્યો. સહુ નીચે આવી ગયાં. ગાડી ઊપડી અને 'ખોં-ખોં' ખાંસી ખાતી શહેરી શેઠાણી જેવી મહામહેનતે ચાલી ગઇ.

એક બુઢો પુરુષ પણ અમલદારની જોડે હતો. તેણે કહ્યું : "અરે વહુ! સહુ હાલો, એક એક દાગીનો ઉઠાવી લઇશું."


2. થાણાને રસ્તે


"પણ તમને કોણે કહ્યું કે ઉપાડો!" એવા ઉગ્ર પણ ચૂપ અવાજે, કચકચતા દાંતે બોલીને અમલદારે પોતાના વૃદ્ધ પિતાના હાથમાંથી ટ્રંક નીચે પછાડી નાખીને ડોળા ફાડીને કહ્યું: "મારી ફજેતી કાં કરી?"

ડોસા સડક થઈ ગયા.

અમલદારનાં દૂબળાં પત્નીથી ન રહેવાયું. થોડી લાજ કાઢીને પણ એણે કહ્યું : "આકળા કેમ થઈ જાવ છો? બાપુને..."

"તમે બધાંય મારાં દુશ્મનો છો." એટલું કહીને અમલદારે પીઠ ફેરવી સમાન ઉપડાવ્યો. એક ગાડું સામાનનું ભરાવ્યું. બીજામાં કુટુંબ બેઠું.

અમલદારે પૂછ્યું : "એલ્યા દરબારી સિગરામ કેમ નથી લાવ્યો?"

"સિગરામ હાલે એવો મારગ નથી, મે'રબાન"

"ભેખડગઢ કેટલું થાય અહીંથી?"

"વીસ ગાઉ પાકા."

સોરઠ તારાં વહેતાં પાણી