આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અને સુંદર ભાષણો તેઓ સુંદર ભોજનની સાથે જ કરી શકે છે.

તેઓ બન્ને રાવસાહેબ મહીપતરામ પર ઊતરી પડ્યા. એટલી વરાળો ફૂંકવા લાગ્યા કે મહીપતરામ જો માણસ હોવાને બદલે પશુ હોત તો તેઓ એને જ શેકયા વાગરા ખાઈ જાત!

“અભી કે અભી ફોરન સવાર ભેજો; તુમારા થાના કે ગાંવસે મટન લેકર આવે.” સાહેબે ફરમાન આપ્યું.

“ત્યાં તો ખાટકીનું કામ બંધ છે, હજૂર.” રાવસાહેબે જવાબ આપ્યો.

“કાયકો? કિસકા હુકમસેં?” સાહેબનો દેહ કારખાનાના ફાટ ફાટ થતા બોયલરની યાદ દેતો હતો.

“મારા હુકમથી.”

“ક્યોં?”

“ખાટકીના ફળિયામાંથી સમળીઓ માંસના લોચા ઉઠાવી હિંદુઓનાં ઘરોમાં નાખતી હતી. મેં એને તાકીદ કરી હતી કે આયદે બંદોબસ્ત કરે, પણ એણે બેપરવાઈ બતાવી. કાલે એક સમળીએ ગામના ઠાકર મંદિરમાં હાડકું પડતું મૂક્યું, એટલે મારે મનાઈ કરવી પડી.”

“યુ ડેમ ગધા સુવર...”

“સાહેબ બહાદુરને હું અરજ કરૂં છું કે જબાન સમાલો!” મહીપતરામ જેટલા ટટ્ટાર ઊભા હતા તે કરતાં પણ બધુ અક્કડ બન્યા. આ શબ્દો એ બોલ્યા ત્યારે એમની છાતી બે તસુ વધુ ખેંચાઈ.

“ક્યા! યુ ...” કહેતા બેઉ ગોરાઓ ઊભા થઈ ગયા, પણ નવું વિશેષણ ઉમેરે તે પહેલાં તો મહીપતરામે પોતાની કમર પરથી કીરીચ-પટો ખોલ્યો. એ અણધારી ક્રિયાએ બોલતા સાહેબને હેબતાવ્યા, ને કીરીચ-પટોસાહેબની સન્મુખ ધરીને મહીપતરામે જવાબ આપ્યો: “સાહેબ બહાદુર એક પણ અણછાજતો બોલા ઉચ્ચારે તે પહેલાં આ સંભાળી લે ને મને ‘ડિચાર’ (ડિસ્ચાર્જ) આપે.”

ખાખી કોટ, બ્રિચીઝ અને સાફામાં શોભતો આ બાવના વર્ષનો બ્રાહ્મણ સાહેબોની જીભને જાણે કે કોઈ ખીલા જડીને ખડો રહ્યો.

સાહેબો ખમચ્યા. એ એક પળનો લાભ લઈને મહીપતરામે કહી નાખ્યું: “ આ કીરીચ સરકારે મને બકરાં પૂરા પાડવાની તાબેદારી ઉઠાવવા બદલ નથી

૧૪૨
સોરઠ તારાં વહેતાં પાણી