આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બક્ષિસ કરી.”

“યુ આર એ શેઈમ ટુ યોર કીરીચ (તારી એ કીરીચની તેં નામોશી કરી છે.)”

એટલું બોલનારા બીજા અંગ્રેજની સામે મહીપતરામે શાંતિથી કીરીચ-પટો છોડી દીધાં ને કહ્યું: “સાહેબ બહાદુરનો હવે શો હુકમ છે?”

“તમારી ફોજદારી તોડી નાખવામાં આવે છે. તમને સેકન્ડ ગ્રેડ જમાદારીમાં ઉતારવામાં આવે છે.”

જવાબમાં મહીપતરામે પોતાને બઢતી મળી હોય તેવી અદાથી સલામ ભરી, અને ઉપરી સાહેબે ફરમાન કર્યું: “એટેન્શન! એબાઉટ ટર્ન! ક્વિક માર્ચ!”

હુકમ મુજબ હોશિયાર બની, પાછા ફરી, ઝડપી પગલે મહીપતરામ રાવટી બહાર નીકળી ગયા. આ બધો શો ગજબ થઈ ગયો. તેનું હવે ભાન આવ્યું. ફોજદારી તૂટી એ એમને જિંદગી તૂટ્યા બરાબર લાગ્યું. આવી બેઇજ્જતી કેમ લઈ જીવી શકાશે? જગતને મોઢું શી રીતે બતાવી શકાશે? જૂનો જમાનો હંમેશા પોતાની ઇજ્જત વિષે જીવના-મૃત્યુની લાગણી અનુભવતો.

મહીપતરામ થાણામાં પાછા ફર્યા ત્યારે એકા સાદા પોશાકવાળો સવાર ઘોડું દોરીને ઊભો હતો. તેને મહીપતરામના હાથમાં એક સીલ કરેલ ચિઠ્ઠી મૂકી. માણસે ધીમેથી કહ્યું: “એ ચિઠ્ઠીમાં મરદનું માથું છે, માટે જાળવજો.” કહીને એ ચાલ્યો ગયો.

સમજુ મહીપતરામે એ ચિઠ્ઠી સંડાસમાં જઈને વાંચી. અંદર લખ્યું હતું :

બહાદુર સિપાઈ,

આ દેશની દુર્દશા છે કે એક બહાદુર બીજા બહાદુરનો વિનાકારણ પ્રાણ લેવા નીકળેલ છે. સહુ બહાદુરોને સાચવનારો એક દેશવીર પરદેશથી પાછો ફર્યો છે. તમે થોડા દિવસા ઠંડા રહી શકશો? તો લખમણને અહીંથી સરકાવી લઈને બહાર રવાના કરી શકાય. તમારી સેવા ફોગટ નહિ જાય.

નીચે સહી આ રીતે હતી :

આ ભૂમિની મર્દાઈનો પ્રેમી એક ગુર્જર.
 
૧૪૩
સોરઠ તારાં વહેતાં પાણી