આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

“હા, જગુ.”

“રામરામ કરો! ને હવે તમારે વાતું કરવી છે કે ઝટ પહોંચવું છે?”

“શું કરવા?”

“બહારવટિયા પર શૂરાતન કરવા?”

“જગુ પગી, તેમ નામરદાઈ કરી.”

“સાત વાર. પણ હવે હાલો છો? કોઈ બીજો પોગી જાશે તો તમે રહેશો હાથ ઘસતા.”

“જગુ પગી. મારે એ પરાક્રમ નથી જોતું.”

“શું બોલો છો સા’બ?”

“લખમણને ઝેર? બહાદુર લખમણને ઝેર? મારે તો એને પડકારીને પડમાં ઉતારવો’તો. હા! હા! શિવ શિવ!”

જગુ પગીને આ બ્રાહ્મણ પર કંટાળો છૂટ્યો. એણે એ કંટાળાની એંધાણીરૂપે પૃથ્વી પર થૂક નાખ્યું ને પૂછ્યું: “ત્યારે મને નાહકનો દાખડો કરાવ્યો ને સા’બ?”

“ના, ના, જગુ, જા તું ઘાંઘાલીને ધૂને. ત્યાં સાહેબો પોતે જ બેઠા છે, એને સમાચાર દે. ઝેર દીધેલા બહારવટિયાનો જીતવાનો જશ ભલે એમને જાતો. મને ખબર આપ્યા છે એવું કહેતો જ નહિ.”

“બામણું કેવું ઘેલસાગરું! આ મોકો જાવા દીધો!” એમાં વિચારતો એ ટેલિયો વેશધારી ઘાંઘલી-ધૂના તરફ દોડ્યો.

મહીપરામે ઘોડી પરથી જીન ઉતરાવ્યું. સાંજનો સમય હતો. સવારની બાકી રહેલી સંધ્યા-પૂજા માટે એણે સ્નાન કર્યું. સ્નાન કરતાં કરતાં એણે શાંતિના શ્લોકો રટ્યા. કોઈક મરતા આદમીની સદગતિ માટે એણે આ શાંતિપાઠ કર્યો, ને પાટલા પર ઘીની ઝીણી દીવી બળતી હતી તેની જ્યોતિમાં એણે પેલી સુરેન્દ્રદેવવાળી ચિઠ્ઠી ઝબોળી.

સળગી ગયેલા કાગળ પરા અક્ષરો ઉકેલી શકાય તેવા ને તેવા રહે છે એ વાત પોલીસ-અમલદાર જાણતો હતો. કાગળને એણે ચોળી રાખ કરી નાખ્યો. એનો અંતરાત્મા વકીલોની દલીલબાજીમાંથી મોકળા થયેલા દેહાંત-સજાના કેદી જેવી દશા પામ્યો. આ સારું કે તે સારું? આ કર્તવ્ય કે બીજું? – એ પ્રશ્નો

૧૪૬
સોરઠ તારાં વહેતાં પાણી