આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તેડાવ્યો હતો. પિનાકી રાજ્યનો માનીતો મહેમાન હતો. અતિથિગૃહમાં એને માટે રોજ ચાર-ચાર મોટી આફૂસ કેરીના ફળો આવતા.

ઠાકોર સાહેબની અને રાણી સાહેબની જોડે એની પહેલી મુલાકાત થઈ ચૂકી હતી. રાણી સાહેબે પિનાકીને બેરિસ્ટર થવાનો આગ્રહ કર્યો; કેમ કે વકીલાતના કામમાં જે વાચાની કળા તેમ જ અભિનયના મરોડ જોઈએ તે પિનાકીમાં એમને શાળાના મેળાવડાને પ્રસંગે દેખાયા હતા.

"રાજ તમને મદદ કરશે," રાણી સાહેબે બોલ પણ આપી દીધો. "કેમ નહિ, ઠાકોર સાહેબ?" રાણીએ પતિને પૂછ્યું.

"આપનું દાન સુપાત્રે જ છે." ઠાકોરસાહેબે પત્નીનો બોલ ઝીલ્યો.

"પછી અહીંયા જ વકીલાત કરશો ને? રાણી સાહેબે પૂછ્યું.

"વકીલાત શા માટે?" ઠાકોરે માગ્યા પહેલાં જ ઢગલો ધર્યો: "એમનામાં દૈવત દેખશું તો ન્યાયાધીશી જ નહિ આપીએ?"

પિનાકીના હ્રદયમાંથી તો મનોરથોના ગબારા ચડ્યા. જીવનનું ગગન જાણે કે સિદ્ધિઓના તારામંડળ વડે દેદીપ્યમાન બની ઊઠ્યું.

"પાંચેક વર્ષનો ગાળો છે તમારે તૈયાર થવાનો." એમ જ્યારે સાહેબે યાદ કરાવ્યું ત્યારે પિનાકી પાછો પછડાયો. શિક્ષણની તાલિમમાં હનુમાન-કૂદકો હોતો નથી.

"પણ બારિસ્ટર થવાની જરૂર ખરી? રાજના ન્યાયાધીશને માટે અહીંનું જ ભણતર ન ચાલે?" રાણીએ પૂછ્યું.

"શા માટે ન ચાલે? રાજ તો મારું છે ને! જેના માથે આપણે હાથ મૂકીએ એની તો વિદ્યા પણ ઊઘડે."

"તો આને અહીં જ તાલીમ આપીશું?"

"જરૂર મેટ્રિક થઇ જવા દો."

ઠાકોર સાહેબે રાણી પાસેથી પિનાકી પ્રત્યેની મમતાનું કારણ ક્યારનું જાણી લીધું હતું. ભાંડરડાંની માફક જેઓ ભેળાં રમ્યા-ઊછર્યાં હતાં. તેમનો અન્યોન્ય ઉપકારભાવ ઠાકોરસાહેબને અંતરે વસ્યો હતો. ઠાકોર પ્રૌઢત્વમાં પાકટ થઈ ગયા હતા. એમનામાં ઈર્ષ્યાની આગ નહોતી એ એનો મોટામાં મોટો ગુણ હતો. પડદાનો ત્યાગ કરવાની તેમની હિંમત આ વાતને આભારી હતી.

૧૫૨
સોરઠ તારાં વહેતાં પાણી