આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પિનાકીના આચરણની છાપ પણ એમના દિલ પર ચોખ્ખી પડી હતી: એની આંખો ગંભીર હતી, તેના હાવભાવમાં કુમાશ હતી: તનમનાટ નહોતો.

'અહીં દેવુબા સુખી છે. એને જોઈએ તે જડે છે. એની સુંવાળી ઊર્મિઓ પણ સચવાય છે. હું એને સુખમાં જોયા કરું તો મને બીજી કોઈ મનેચ્છા નથી.' એ હતો પિનાકીનો મનોભાવ.

તે દિવસે રાતે વિક્રમપુરન દરિયાનો કંદેલિયો બુઝાયો. દીવાદાંડીઓના દીવાઓ ન ચેતાવવાનો સરકારી હુકમ બંદરે બંદરે ફરી વળ્યો હતો.

કંદેલિયો ઠર્યો!ઘેર ઘેર વાત ફરી વળી. ગામડાને ફાળ પડી. કંદેલિયો ઠર્યો! થઈ રહ્યું. જરમર આવ્યા! અંગ્રેજની ધરતી ડોલી. કંદેલિયો ઓલવાયો. આ બનાવ અદ્ભુત બન્યો. જમાના ગયા, પણ કંદેલિયો ઝગતો હતો. રાજા પછી રાજા દેવ પામ્યા, છતાં કંદેલિયાને કોઈએ શોક નહોતો પડાવ્યો. કંદેલિયાને ઓલવવાવાળી આફત કોઇ આસપાસ હોવી જોઈએ.

'એમડન' નામની એક જર્મન જળ-નાગણી ઉલ્કાપાત મચાવી રહી છે. અંગ્રેજ જહાજોના મોટા માતંગોને એ ભાંગી ભુક્કા કરે છે. બંદરો અને બારામાં પેસી જઈને એ સત્યાનાશ વાળે છે, મુંબઈના કંદેલિયા પણ ઓલવી નાખેલ છે. રાતભર 'એડમન'ના ભણકારા વાગે છે. દરિયાની મહારાણી ગણાતી બ્રિટાનિયા પોતાના હિન્દ જેવા સામ્રાજ્યને કિનારે સંતાકૂકડી રમતી આ નાચીજ નાવડીને પણ નથી ઝાલી શકતી! સરકારની ગજબ ઠેકડી મંડાઈ ગઈ સોરઠને તીરે તીરે જર્મનીનો સાથ લઈને નવકૂકરી રમનારાઓએ પોતાની મૂછે તાવ દીધા અને સૂર્યપૂરના ઠાકોરે પોતાના પાડોશી પરગણાને બથાવી પાડવાનો કાળ પાકેલો દેખ્યો.

પિનાકીનું અજ્ઞાની મગજ આટલી વાત તો વણસમજ્યે પણ પામી ગયું કે અંગ્રેજ સરકાર અજેય નથી: જગતને છાવરી નાખીને પડેલો અંગ્રેજ પણ ત્રાજુડીમાં ડોલી રહ્યો છે : શેરને માથે સવા શેર : અંગ્રેજનું માથું ભાંગનાર સત્તાઓ દુનિયામાં પડી છે. ચૌટે ને ચોતરે બેસતાં, અંગ્રેજ ટોપીને ભાળતા વાર જ ભાગવા ટેવાયેલાં લોક આજ અંગ્રેજ સત્તાના દોઢ સૈકાને અંતે એટલું તો વિચારતા થઈ ગયાં કે અંગ્રેજ અપરાજિત બળિયો જોદ્ધો નથી. પિનાકી એ પ્રકારના લોકમતનું બચ્ચું બન્યો. કોણ જાણે આ કારણથી એને અંગ્રેજ શહેનશાહ તેમ જ

૧૫૩
સોરઠ તારાં વહેતાં પાણી