આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મહારાણીના મોરાં નિશાળોમાં ટંગાતા હતાં તેના તરફ નફરત આવી. ઈંગ્લન્ડના ઇતિહાસની ચોપડીમાં જે ચિત્રો હતા તેમાંના પુરુષ-ચિત્રોને એણે કાળાં કરી નાખ્યાં, એકાદ સ્ત્રી-ચિત્રને એણે મૂછો આલેખી!

બીજો કંટાળો એણે વળતા જ દિવસે વિક્રમપુરના રેલવે સ્ટેશને અનુભવ્યો. દરબારી 'લેન્સર્સ'ની એક ટુકડી લડાઈના યુરોપી મોરચા પર જવાને ઊપડતી હતી. તેમનાં કપાળમાં કંકુના ચાંદલા હતા. પ્લેટફોર્મની અંદર તેઓના નાનાં-મોટાં બાળબચ્ચાં રડતાં હતાં. બહાર થોડે છેટે તેમની પત્નીઓ પરદામાં પુરાઈ ઊભી હતી. મોરચા પર જઈ રહેલ આ રજપૂતોના મોં પર અવિભૂતિ નહોતી. પોતે કઇ દેશ રક્ષા, જાતિરક્ષા કે કુળ રક્ષાને કારણે કોની સામે લડવા જઈ રહેલ છે તેની તેમને ગમ નહોતી. પડઘમના શૂરાતન-સ્વરો અને જગના આયુધો તેમના આત્માની અંદર જોમ નહોતા પૂરી શકતાં. એમના ગળામાંથી કોઈ હાકલ ઊઠતી નહોતી. તેમની મુખમુદ્રા પરનો મરોડ વીરરશના વેશ ભજવનાર નાટકીય પાત્રોનો હોય તેમ દીસી આવતું હતું. ને આગગાડી જ્યારે તેમને ઉઠાવી ચાલી ત્યારે એ કલાક-બે કલાકનો તમાશો પોતાની પછવાડે કોઈ અકારણ નિષ્પ્રયોજનતાની શૂન્યતા પાથરતો ગયો. એક અવાસ્તવિક લીલા ખતમ થઈ ગઈ. ને પાછા વળતાં લોકોએ વાતો કરી કે, 'બિચારા ઘેટાંની માફક રેંસાશે.'

ત્રીજા દિવસે વિક્રમપુરમાં બીજી ઝલક છાઈ ગઈ. મિસિસ એની બેસન્ટનું આગમન થયું. 'હોમરૂલ' નામનો મંત્ર પઢાવનારી એ સિત્તેર વર્ષની વિદેશી ડોશી ભારતવાસી જુવાનોની મૈયા થઈ પડી હતી. ગોરી ડોશી હિંદી સાડી ને ચંપલો પહેરતી હતી. ગળામાં માળા ધારણ કરતી ને 'ભગવદગીતા' ના ઘોષ ગજાવતી; સરકારને મુક્કો ઉગામી ડારતી, ને હિન્દુ ધર્મના રહસ્યો ઉકેલતી.

ત્રણ મહિનાની નજર કેદ ભોગવીને 'મૈયા' દેશ ઘૂમવા નીકળી હતી. મુકામે મુકામે એની ગાડીના ઘોડા છોડી નાખવામાં આવતા ને યુવાનો ગાડી ખેંચતા. એની સભાઓ ભરાતી ત્યારે એની ચંપલો પાસે બેસવામાં પણ એક લહાણ લેખાતી.

વિક્રમપુરે પણ એને અછો અછો વાનાં કર્યાં. એની ભૈરવ-વાણ સંભળવા મેદની

૧૫૪
સોરઠ તારાં વહેતાં પાણી