આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"બધું જૂઠું?"

"ના બધું જ સાચું, ને કાલે તો રસ્તે પડવાનું થશે. પણ મને બીજા ધણીની નોકરી જડી ગઈ છે."

"કોની?"

"પ્રભુની. એણે મારી ચાકરી ન નોંધી હોત તો હું મારે પોતાને જોરે થોડી જ આ ટક્કર ઝીલી શક્યો હોત."

પત્ની ચૂપ રહી. ધણીના નૈતિક વિજયનું મૂલ્ય એને ન સમજાયું, અંબાજી માનું સત ક્યાં ગયું? ઘીના દીવા શું ફોગટ ગયા? વાટ્યો વણી વણી શું હથેળી અને સાથળ નાહક ઘસ્યાં?

પતિએ કોઈ દૈવી અવસર જતો કર્યો છે, એવું આ સ્ત્રીને લાગ્યું: "જગતમાં આવડી બધી નીતિ અને સચ્ચાઈ પાળવાની શી જરૂર હતી? એવી સાચુકલાઈને આવતી કાલે કોઇ કરતા કોઇ વખાણવાનું નથી. બધા તમને વેવલા ગણશે. કોઈ પાઘડી નહિ બંધાવે !"

"તું પણ નહિ?" મહીપતરામે હસીને પૂછ્યું.

"હું પણ જગત માંયલી જ એક છું ને? તમારું મોઢું જગતને વિષે ઊજળું રહે એ જ મને તો ગમે ને? કાલ સવારે તો અહીં ચાર ચાર ઑર્ડરલી પોલીસમાંથી એકેય નહિ હોય. કાલે આહીં સિપાઈઓની બાયડીઓ બેસવા નહિ આવે, સેવપાપડ વણાવવા નહિ આવે, મારાં કેરીનાં અથાણા કરાવવા પણ નહિ આવે."

"આપણે અહીં રહીશું જ નહિને ?" પતિએ ખળભળી પડેલી પત્નીના કાનની બૂટો પંપાળી.

"આપણી ઊતરતી અવસ્થા બગડી. હવે જ્યાં જશું ત્યાં નામોશી પણ ભેળી જ માથા પર ભમશે. મારો ભાણો હવે ઠેકાણે પણ ઝટ નહિ પડે."

ધણીની સંસારી ચડતીમાં જ જેના હૈયાની તમામ મહત્ત્વાકાંક્ષા અને અભિલાષાઓ સમાપ્ત થતી હતી, ધણીના નોકરી-જીવનની બહાર જેને કોઇ પણ જાતનું નિરાળું જીવન નહોતું. જીવનના કોડ નહોતા, અશાનિરાશા નહોતી, ઓઢવા-પહેરવાના કે માણવાના મનોરથ નહોતા, અક્કલ નહોતી, નજર નહોતી, વાંછના નહોતી, હર ઉનાળે કેરીનું 'સોના જેવું પીળું ધમરક' અથાણું ભરવું

૧૫૭
સોરઠ તારાં વહેતાં પાણી