આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

લાગી પડ્યા!"

પિનાકીએ ઓછું આવ્યું. ગાંધીજીના આવવાની સાથે જ દેશમાં નવી લહરીઓ વાઇ હતી. 'સત્યાગ્રહ શબ્દ ઘર-ઘરને ઉંબરે અફળાતો થતો હતો. પ્રત્યેક ઘરમાં એકાદ છોકરો તો મૂંડાતો હતો. કોઇ પણ વાતમાં પોતનું ધાર્યું ન થતાં અગાઉ છોકરાં રિસાતાં, તેને બદલે હવે ઘી-દૂધ ત્યજતાં ને કાં ઉપવાસ કરતા, 'સત્યાગ્રહ' એ 'રિસામણા'નું નવું સંસ્કાર-નામ બન્યું હતું.

મોટીબા સાંભળી ગયાં. એ ભેંસની ગમાણમાંથી જ આવતાં હતાં. એણે કહ્યું: "તારે ઘી-દૂધનો સત્યાગ્રહ કરવો જ નહિ પડે, આપોઆપ થશે."

"કેમ?" ઊઠેલા મહીપતરામે પૂછ્યું.

"મારી મોરલા જેવી ભેંશ તો જશે ને?"

"લે બેસ બેસ ઘેલી!" મહીપતરામે જવાબ આપ્યો: "આમાંથી એક પણ ઢોર વેચાવાનું નથી. એ ભેંસ, બેઉ ગાયો અને મારી ઘોડી - ચાર જીવ મારા ઘરમાં પહેલા; ને પછી તું, ભાણો પણ પછી. ખબર છે?"

"ચારનાં પેટ ક્યાંથી ભરશો?"

"ચોરી કરીને! તારે તેનું કાંઇ કામ?"

"ખરે ટાણે તો મોટા સાધુ પુરુષ થવા બેઠા, ને હવે ઢોરોને માટે ચોરી કરવા નીકળશો! જોયા ન હોય તો!"


34. કોઈ મેળનો નહિ


તે દિવસે બપોરે મહીપતરામનો ખુલાસો લેવા માટે પોલીસ-ઉપરીએ ખાનગી ઑફીસ ભરી. એમને પૂછવામાં આવ્યું :

"બહારવટિયાના ખબર મળ્યા પછી તમે કેમ ન ગયા?"

મહીપતરામે પ્રત્યુત્તર ન દીધો.

"ડર ગયા?"

"નહિ સા'બ!" મહીપતરામે સીનો બતાવ્યો.

૧૫૯
સોરઠ તારાં વહેતાં પાણી