આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ગયેલ છે. મહીપતરામને એ વાતનું ભાન નહોતું.

ઘરમાં દાખલા થતાં જ પહેલું કામ પોતે પશુઓ પાસે જવાનું કરતા. તે દિવસ જઈને ચારેને કપાળે – બરડે હાથ ફેરવ્યો. ઢોરનાં નેત્રોમાં કરૂણતા નિહાળી. પશુઓએ ઘાંઘાં થયાં હોય એમ ફરકડા નાખી હાથ ચાટ્યા. મહીપતરામે હાક મારી: “એલા, આ ચારેય ખાલી ખાલી કેમ છે? આઠમનો ઉપવાસ તો નથી કરાવ્યો ને! ક્યાં ગઈ ધરમની મૂર્તિ?”

કોઈએ જવાબ ના આપ્યો. મહીપતરામ ઘાસની ઓરડીમાં જાતે ગયા. ત્યાં કશું ન હતું. પોતે બૂમ પાડી: “ઘાસ ક્યાં ભર્યું છે?”

જવાબ ન મળ્યો. પોતે અંદર ગયા. પત્નીને રડતી જોઈને પૂછ્યું: “ઘાસ ક્યાં?”

પત્નીએ આજે પહેલી જ વાર જમણા હાથની આંગળી ઊંચે આસમાન તરફ ચિંધાડી.

પશુઓ ઘરની આજ સુધીની આંતરદશા ઉપર એક ઢાંકણ જેવા હતા. પશુઓની બૂમા નહોતી ઉઠી ત્યાં સુધી મહીપતરામને ભાન પણ નહોતું રહ્યું કે રોજ પોતાની થાળીમાં કયું અન્ન પિરસાય છે કે પોતાનાં કપડાં કેટલે ઠેકાણે જર્જરિત છે. દૂધનો વાટકો બંધ થઈને છાશ ક્યારથી પોતાને પીરસાવા લાગેલી તેનીય એને ગમ નહોતી. ઘરની સજાવટ પણ એણે આજે જ સભાન નિહાળી. ફાટેલાં ગાદલાં રૂના ગાભા બતાવી બતાવી જાણે ડામકીયાં પરથી એની સામે ઠઠા કરતાં હતાં. ભાંગેલી ખુરશી, ઘરની કોઈ ચિરરોગી પુત્રી જેવી, ખૂણામાં ઊભી હતી.

વધુ વિગતોને નીરખી જોવાની હાલત ન રહી. મહીપતરામે ફેંટો ને ડગલો ઉતાર્યા. ચારે ઢોરને છોડી પોતે બહાર હાંકી ગયા; અવાડે પાણી પાયું, ને પછી નજીકમાં ચરિયાણ જગ્યા હતી ત્યાં જઇ ગાય ભેંસને મોકળાં મૂક્યાં. ઘોડીની સરકનો છેડો પકડી રાખી એને ચરતી છોડી.

ચરતાં ચાર પશુઓનો આનંદ દેખી મહીપતરામનું પિતૃહૃદય કેટલું પ્રસન્ન થયું! પશુઓ ચારતાં ચારતાં એને નાનપણમાં પગ તળે ખૂંદેલા ઇડરિયા ડુંગરા યાદ આવ્યા. શામળજીના મેળાની સ્મૃતિઓ જાગી. ઢોરાં ચારીને લાંબા બાળ રંડાપા વેઠતી પોતાની ન્યાતની ત્રિવેણી, જડાવ અને ગોરની છોકરી ગંગા

૧૬૨
સોરઠ તારાં વહેતાં પાણી