આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સાંભરી. ગંગાની વેરે પહેલાં પોતાનો સંબંધ થવાનો હતો તે યાદ આવ્યું.

‘ના, ના, હવે તો યાદ કરીને પાપમાં ના પડવું. મારી ડોસલી બાપડી દુભાશે ક્યાંક!’ એમ વિચારીને પોતે ઇડરના સ્મરણો પર પરદો નાખ્યો.

પછી છેવટે એને લખમણ બહારવટિયો યાદ આવ્યો. લખમણ પણ ગાયોને ચારનારો જ હતો ને! ગાયોની જોડે પ્રાણ પરોવનાર લખમણ મારા અત્યારના સુખ કરતાં કેટલા મોટા સુખનો સ્વાદ લેનારો હતો! ગૌચર ખાતર ખૂન કરનારાનું દિલા કેટલું ખદખદ્યુ હોવું જોઈએ!

બે-ત્રણ કલાક ચારીને પોતે પાછા ફરતા હતા ત્યારે ઘરને આંગણે ટપાલી દીઠો.

“આપનું રજીસ્ટર છે, સાહેબ!” ટપાલી હજુ પણ મહીપતરામને ‘સાહેબ’ શબ્દે સંબોધતો હતો.

“ભાણા!” પોતે હાક મારી: “ આ તો કશોક અંગ્રેજી કાગળ છે. ને અંદર સો રૂપિયાની નોટો છે. કોનું છે આ? આ નીચે સહી તો પરિચિત લાગે છે. કોની – અરે – માળું જો ને... હૈયે છે પણ હોઠે નથી. કોની...”

“આ તો બાપુજી, સાહેબ બહાદૂરનો કાગળ છે.”

“હાં, હાં, સાહેબ બહાદૂરની જ આ સહી. જોને, ઇનો અક્ષરોની મરોડ તો જોઈ લે! વાહ! કેવી ફાંકડી સહી. શું લખે છે? “ મહીપતરામનો હર્ષ મેઘને જોનાર મોર માફક ઉછળવા લાગ્યો. પિનાકી વાંચવા લાગ્યો. લખે છે કે :

મારા વહાલા મહીપતરામ,

મેં ઊડતી વાતો જાણી કે તમને બરતરફા કર્યા છે. તમારી કાંઇ કસૂર થાય એ હું માની શકતો જ નથી. નામર્દાઈ તો તમે કરો જ નહિ! કશીક ગેરસમજ લાગે છે. હું તો લાચાર છું, કે નવા સાહેબોને પિછાનતો નથી. નવો જમાનો નાજુક છે. દુઃખી ના થશો, આ સ્મરણચિહ્ન સ્વીકારજો. જ્યારે જ્યારે મારા તરફથી કાંઇ મળે ત્યારે ઇનકાર ન કરશો ને ભાણાને બરાબર ભણાવજો.

કાગળ સાંભળીને મહીપતરામનું હાસ્ય પાગલ બન્યું. હસતાં હસતાં એ ગદગદિત બન્યા: “ગોરો, આંહીથી બદલી થઈને ચાલ્યો ગયેલ

૧૬૩
સોરઠ તારાં વહેતાં પાણી