આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"આ ડુંગરાઓમાં હાથતાળી દઈને જાતાં શી વાર!"

"કેમ બહુ તલપાપડ થયો છે, લાડા?"

"ન થાઉં?"

"કાં?"

"મારે મામે ચાંપે કોટીલે ચોખ્ખું કે'વરાવ્યું છે....."

"-કે?"

"- કે કાઠીનો દીકરો એકાદ લોંટોઝાંટો ન કરી આવે ત્યાં લગી કાઠીની કન્યા ફેરો કોની હારે ફરે? - બકાલની હારે?"

"હા; ઈ વાત સાચી, સુરગ, હવે તું મનસૂબા કર છ એ સમજાણું."

"તમે હારે છો એટલે શું કરું?"

મોટો પસાયતો મૂંગો રહ્યો. અંધારું પણ એની સાથે જાણે કશોક સંતલસ કરતું હતું.

સાંભળો છો આપા મામૈયા! કે ઝોલે આવ્યા?" જુવાને બુઢાને પૂછ્યું : "આમ પગઢરડા ક્યાં લગી કરવા છે? સરકારી ટપાલના બીડા ખેંચ્યે અવતાર નહિ નીકળે."

"કરને ઝપટ...."

"સાચેસાચ? જરીક પાછળ પડી જાશો? આ બામણું થોભિયા વધારીને બેઠું છે, પણ હમણાં એક હાક ભેગું એનું પેડું ઝીંક નહિ ઝીલે."

"ઠેકડી કરછ કે સાચું કે'છ સુરગ?"

"ઠેકડી તો મારી કરો છો, આપા!"

"કેટલો ભાગ?"

"અરધો અરધ."

"અજમાવ ત્યારે."

"તમે હાકોટા કરશો? આપણે ઝાઝા જણ છીએ એમ દેખાડીએ."

"ભલે. પણ મારા હાથ-પગ મારા ફેંટાથી બાંધતો જા."

"સુરગ પસાયતાએ મોટેરાના શરીરને જકડી લીધું. પછી પોતાના હાથમાંની કાળી લાંબી ડાંગને એક સળગતી દોરી બાંધી બંદૂકનો દેખાવ કર્યો, ને પોતે તલવાર ખેંચીને ઉપડ્યો - મામાની દીકરીને પરણવાની લાયકાત પ્રાપ્ત કરવા!

૧૦
સોરઠ તારાં વહેતાં પાણી