આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

36. ચુડેલ થઈશ


વીસમા દિવસે અદાલતે ફેંસલો સંભળાવ્યો. એમાંનો એક ભાગ આ હતો :

"મરી જતા પુરાતન કાઠિયાવાડનું આ બાઈ એક રોમાંચક પાત્ર છે. અસલ કુંછડી નામના બરડા પ્રદેશની આ મેર-કન્યા હતી. એનું નામ ઢેલી હતું. માવતરે નિર્માલ્ય ધણી જોડે પરણાવવા ધારેલી, તેથી એ નાસી છૂટી. ભાગેડૂ બની. છુપાવા માટે સિપારણનો વેશ લીધો. જંગલી દફેર કોમના દંગામાં સપડાયેલી, તેમાંથી એને દેવકીગઢના ભારાડી વાણિયા રૂખડ શેઠે બચાવી. શેત્રુંજી નદીનાં કોતરોમાંથી બે દફેરોની લાશ નીકળી હતી, તેના ખૂનીનો પત્તો નહોતો લાગ્યો, પણ બાઈ ઢેલી પોતે જ એકરાર કરે છે કે એ બન્નેને ઠાર કરનાર વાણિયો રૂખડ જ હતો. રૂખડે આ ઓરતને છોડાવવા માટે કાયદેસર પગલાં ન લેતાં બે દફેરોનાં ખૂન કર્યાં તે અંગ્રેજી 'સેન્સ ઓફ જસ્ટીસ એન્ડ સેંક્ટીટી ઑફ હ્યુમન લાઈફ' અર્થાત ન્યાયબુદ્ધિ તેમ જ માનવ જિંદગીની પવિત્રતાના અંગ્રેજ આદર્શને ન શોભે તેવું કૃત્ય કહેવાય. એ ખૂનોની તલસ્પર્શી તપાસ ન કરનાર આપણું પોલીસ ખાતું ઠપકાને પાત્ર ગણાય.

"પછી રૂખડ તો ઢેલીને બેન તરીકે પાળવા તૈયાર હતો, છતાં ઢેલી એના ઉપર મોહિત થઈ એના ઘરમાં બેઠી. અહીં પડેલા સાક્ષી પુરાવા પરથી એમ જણાય છે કે આ ભાગેડુ બાઈએ રૂખડની ઓરત તરીકે પૂરતાં લાજ-મલાજો પાળ્યાં હતાં ને પોતાનાં હિન્દુ સગાંથી બચવા માટે મુસલમાની નામઠામ ધારણ કર્યાં હતાં.

"પછી મજકૂર રૂખડને એક બીજા ખૂન બદલ ફાંસી થઈ. મજકૂર ઓરત ઢેલી ચાહે તેવી પતિપરાયણ ઓરત છતાં, ને વૈધવ્ય પાળવા તૈયાર હોવા છતાં, કાયદો એને - એક મેરાણીને - કોઈ વાણિયાની ઓરત ઠરાવી શકે નહિ. પણ મજકૂર ઓરત ઢેલીએ તો કાયદો પોતાના હાથમાં લીધો, ઘરખેતરનો કબજો - ભોગવટો ન છોડ્યો અને ગેરમુનસફીથી પોતાનું એક ખેતર ગૌચર ખાતે વેડફી દીધું. ગાયો પ્રત્યેના આવા 'અનઈકોનોમિક સેન્ટીમેન્ટ'થી - નુકસાનકારક દયાવેશથી - હિંદને ઘણું નુકસાન થયું છે. ને સરકારી ફરજ આવા બેકાયદે

૧૭૬
સોરઠ તારાં વહેતાં પાણી