આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આચરણને એ જમીનના સાચા હકદારો એટલે રૂખડના પિતરાઈ વાણિયાઓની હિતરક્ષાર્થે અટકાવવાની જરૂર હતી. તેથી સરકારી થાણદાર સ્થાનિક જગ્યા પર પોલીસ ટુકડી લઈને હાજર થતાં, બાઈ મજકૂરની ઉશ્કેરણીથી મજકૂર ગામના એક લખમણ નામના રઝળુ કાઠી જુવાને થાણદારનું ખૂન કર્યું.

"મજકૂર લખમણે મજકૂર ઓરતની ઉશ્કેરણીથી હરામખોરોની ટોળી બાંધી, અને કાયદો હાથમાં લઈ કેટલાક આબરૂદાર જમીનદારોના કુટુંબની કોઈ રાંડીરાંડ બાઈઓને બારોબાર ઈન્સાફ અપાવવાના તોરમાં હરામખોરોની ટોળીએ ત્રણ જમીનદારોને ઠાર માર્યા. પણ છેવટે તો મહાન અંગ્રેજ સત્તાના લાંબા હાથ તેમને પણ પહોંચી વળ્યા, ટોળીનો ફેજ થયો અને ઓરત ઢેલીને બે અંગ્રેજ ઑફિસરોએ બહાદુરીથી હાથ કરી.

"મજકૂર ઓરત ઢેલી આ ટોળી પાછળનું મુખ્ય બળ હતી તે તો અહીં પડેલી જુબાનીઓથી સ્પષ્ટ થાય છે. પરંતુ એકેય સાહેદ એમ નથી કહી શક્યું કે એક પણ ખૂન બાઈ મજકૂરે સ્વહસ્તે કર્યું છે.

"આથી કરીને ઓરત મજકૂરને અમે સાત વર્ષની જ સખત કેદ આપીએ છીએ." ફેંસલાનો એ શેષ ભાગ પૂરો વંચાઈ રહ્યો.

"તારે કાંઈ કહેવું છે?" ન્યાયમૂર્તિના સૂચનથી શિરસ્તેદારે બાઈને પ્રશ્ન કર્યો.

"હા."

"બોલ."

"મારે કહેવાનું એટલું જ છે, કે જે ખેતરની ધરતીમાં ભેખડગઢનો થાણદાર મૂઓ, ઈ ખેતર સરકાર ગૌચરમાં કઢાવે અને તેની વચ્ચોવચ્ચ એક દેરી ચણાવે. ઈ દેરીમાં બે ખાંભિયું મેલાવે : એક ખાંભી ઈ થાણદારની ને બીજી ખાંભી મારા ભાઈ લખમણ પટગરની."

"એનો ભાઈ લખમણ! હા-હા-હા!" દાઢીવાળા પબ્લિક પ્રોસિક્યૂટર એવી સિફતથી બોલી ગયા કે એ સ્વરો કદડાની ધાર જેમ ગળણીમાં રેડાઈ જાય તેમ દાઢીમાં ઊતરી ગયા.

પણ ઓરતની આંખોમાંથી તો કોઈએ જાણે ચીપિયા વતી કીકીઓ ખેંચી

૧૭૭
સોરઠ તારાં વહેતાં પાણી