આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બીજી ડોશી બોખા દાંત માથે હાથ ઢાંકીને બોલી : "આ દરવાજા ઊઘડ્યા : જાણે ઈવડી ઈ આપણી માણસમાર મગરનાં ડાચાં જોઈ લ્યો."

"થઈ ગઈ ઈ તો ગારદ."

"જીવતી નીકળે ત્યારે સાચી."

"નીકળ્યા વિના રે' નહિ. જાસો દઈને ગઈ છે. જોગમાયા છે."

"બાપડો ઓલ્યો મિયાં, હવે સાત વરસ લગી સખની નીંદર કરી રિયો!"

જેલના કિલ્લાની રાંગેરાંગે ગામડિયાં ચાલતાં ગયાં અને જૂનાગઢ વગેરે જુનવાણી નગરોની પુરાતન જેલો જોડે રાજકોટની નવી જેલને સરખાવતાં ચાલ્યાં. પાછલી દીવાલનાં કોઈકોઈ બાંકોરાંમાં ભૈરવ પક્ષીઓ પોતાનું માનવી જેવું મોં ડોલાવતાં જાણે કશીક ખાનગી વાત કરવા બોલાવતાં હતાં. પાછળના ભાગમાં એક પથ્થર ઉપર સિંદૂરનું લેપન કરેલ હતું. આજુબાજુ કોઈ કારમા કાળમાં નિર્જળાં રહીને ઠૂંઠાં બની ગયેલાં ઝાડ ઊભાં હતાં. થોડાં વર્ષો પર ત્યાં એક પરદેશી (ઉત્તર હિંદુસ્તાની) રજપૂત સિપાઈએ આપઘાત કર્યો હતો. ત્યારથી ત્યાંથી પાછલી ગુપ્ત બારીનો પહેરો નીકળી ગયો હતો.

"મૂવેલો સિપાઈ ભૂત થિયો છે." ટોળામાંના એકે કહ્યું : "ને આંહીંથી એક-બે કેદીને ભગાડી ગિયો છે."

"કુંવારો ને કુંવારો જ મૂવો હશે."

"હા, ને એનું મન સરકારના એક ગોરા હાકમની જ દીકરી માથે મોહેલું."


37. લોઢું ઘડાય છે

દાલત ચાલી ત્યાં સુધી પિનાકી મસ્ત હતો. પળેપળ એને આસવની પ્યાલી સમી હતી. મામીના શબ્દો અમલદારોને અને વકીલોને હંફાવનારા હતા. પિનાકીની તો રગરગમાં એ નવરુધિર સીંચનારા હતા : ને જે દિવસે મામીએ ભર‌અદાલતમાં બાપુજીની અદબ કરી હતી તે દિવસથી ભાણેજ મામીને પોતાનું વહાલામાં વહાલું સ્વજન ગણતો થયો હતો.

૧૭૯
સોરઠ તારાં વહેતાં પાણી