આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એણે સ્વપ્નો સેવ્યાં હતાં આવાં : આવી બહાદુર સોરઠયાણીને કદરબાજ ન્યાયાધિકારી છોડી મૂકશે. ને છોડી મૂકશે તો તો હું એને આપણા ઘેરે લઈ જઈશ, ઘેરે જ રાખીશ. મોટીબાનો એને સહવાસ મળશે. અથાણાં અને પાપડ-સેવ કરવામાં મોટીબાને જે સાથ જોઈએ છે તે આ મામી જ પૂરો પાડશે.

પણ ચૌદથી વીસ વર્ષ સુધીની અવસ્થા અબુધ છે. પિનાકીને સાન નહોતી કે દરેક અંગ્રેજ દેહમાં એક કરતાં બધુ માનવીઓ વસે છે : એક હોય છે કળા-સાહિત્યનો અને અદ્‌ભૂતતાનો આશક માનવી; બીજો હોય છે કાયદાપાલક વ્યાપારી અથવા અમલદાર માનવી. મામીના ન્યાયાધિકારીની અંદર પણ બે જણા ગોઠવાઈ સમાયા હતા : અમલદાર માનવી મામીને તહોમતદાર હરામખોર ગણી સાત વર્ષની ટીપ ફરમાવે છે, ને એ-નો એ સાહિત્યપ્રેમી માનવી મામીનાં શૂરાતનોની રોમાંચક વાર્તાઓ પણ ઘેર જઈ રાતે લખે છે.

જેલ જતી મામી ભાણાભાઈને ન મળતી ગઈ. પિનાકીને એની બાઈસિકલ પાછી ઘેર લઈ આવી. બીજે દિવસે એ સ્કૂલે ગયો ત્યારે એને અભ્યાસ પર કંટાળો છૂટ્યો. અંગમાં આળસ ને મોંમાં બગાસાં આવ્યાં. પણ ત્યાં તો એને એક રોનક સાંપડ્યું. કુલ ત્રીસ છોકરાના વર્ગમાંથી પાંચ ડાહ્યાડમરા છોકરા અદાલતના ઉધામે ચડ્યા નહોતા, તેથી તેમને હેડ માસ્તરે વચન આપ્યું હતું કે આ વર્ષના મેળાવડામાં પ્રામાણિકતા, વિનય, ચારિત્ર્ય, ચોખ્ખાઈ અને ધાર્મિકતાનાં પાંચેય ઈનામો હું તમને પાંચને જ મીંઢોળગઢના નામદાર મહારાણાશ્રીને હાથે અપાવવાનો છું. એવી આશા મળ્યા પછી તો એ પાંચેય છોકરાંઓ યોગી જેવા બન્યા હતા. આંખો લગભગ અરધી મીંચેલી જ રાખતા. ચાલતા એટલી સંભાળથી કે મેજ, ખુરશી અને બાંકડાના મન ઉપર પણ તેમની સારી ચાલચલગતની છાપ પડે. પટાવાળાને પણ તેઓ 'ભાઈશ્રી દેવજી' કહીને તેડવા જતા. કહેતા કે "ભાઈશ્રી દેવજીભાઈ, વર્ગમાં એક મરેલી ખિસકોલી પડી છે તેને ઉપાડવા આવશો?"

ઈનામ મેળવવાની આવી તૈયારી કરી રહેલા હરિકૃષ્ણને પિનાકીએ ખભો ઝાલી ઢંઢોળ્યો : "એલા એય મુડદાલ!"

"કહે." હરિકૃષ્ણે વિનય ન છોડ્યો. ઈનામનો મેળાવડો એની નજરમાં જ રમતો હતો.

૧૮૦
સોરઠ તારાં વહેતાં પાણી