આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"ઢોંગ કરતો હવે આંખો તો ઉઘાડ! ઘ્રુવજીના અવતારી!"

"હું હેડ માસ્તરને કહી આવીશ."

"જો કહેવા ગયો છે, તો બે અડબોત ખાધી જાણજે! નાલાયક, મામીનો મુકદ્દમો જોવા પણ ન આવ્યો? આવ્યો હોત તો મુડદાલ મટીને કંઈક મરદ તો બનત!"

"વારુ!" હરિકૃષ્ણે પાછાં પોતાનાં વિનીત લોચન અધબીડ્યાં કરી લીધાં.

"હવે ડાહ્યો થા, ને મને ચાલી ગયેલા પાઠ જરા બતાવી દે."

"હેડ માસ્તર સાહેબે બતાવવાની ના પાડી છે."

હરિકૃષ્ણ વગેરે પાંચેય ઈનામ-સાધના કરવાવાળાઓએ ના કહી. બાકીના જેઓ પિનાકીની જોડે રઝળુ બન્યા હતા તેમણે પણ બૂમાબૂમ કરી મૂકી :

"પિનાકી, સાહેબને કહીએ : પાઠ ફરીથી ચલાવે."

"ચલાવવા જ પડશે. નહિ ચલાવે તો ક્યાં જશે?"

"ને નહિ ચલાવે તો?"

"તો આખો ક્લાસ મળીને કહેશું."

"પણ એ તો આ પાંચ વિનયનાં પૂતળાં જો આપણી જોડે કહેવા લાગે તો જ બને ને!"

"એ બરાબર છે." કહેતો પિનાકી પાંચેય જણાની પાસે ગયો, એકની બગલમાં ચાંપીને એક હળવો ઠોંસો લગાવ્યો, ને ડોળા ફાડી કહ્યું : "કાં, અમારી જોડે સામેલ થવું છે કે નહિ?"

વિનયમૂર્તિ વિદ્યાર્થીએ પિનાકી સામે દૃષ્ટિ કરી. હસતાં હસતાં પિનાકીએ બીજો ઠોંસો લગાવ્યો; કહ્યું : "બોલોજી!"

એ વિનયવંતાએ પોતાના ચાર સાથીઓ તરફ નજર કરી, એટલે પિનાકીએ પોતાના સહરઝળુ છોકરાઓને ઈશારો કરી કહ્યું કે "આ મુરબ્બી બંધુને હું વિનવું છું, તેવી રીતે તમે સર્વે પણ અન્ય ચારેયને વિનંતિ કરશોજી!"

પરિણામે પાંચેય વિનયવંતોની બંને બાજુમાં તોફાની છોકરા ચડી બેઠા, ને તેમના પડખાં દબાવી બારીક ચૂંટીઓ લેવા લાગ્યા. કોઈ કલાપ્રેમી સ્ત્રી પોતાના કાપડ પર જે છટાથી ભરતગૂંથણની સોયનો ટેભો લ્યે, તેવી જ સિફતવાળી એ ચૂંટીઓ પાંચેય વિનયવંતોની કમ્મર પર લોહીના ટશિયાનું ભરતકામ કરવા

૧૮૧
સોરઠ તારાં વહેતાં પાણી