આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

દૃશ્ય જ એક મર્મોચ્ચાર જેવું હતું. કહેવાની જે વાત હતી તે તો પાણીનો પ્યાલો જ કહી રહ્યો હતો.

"તારે કશુંક બહાનું જોઈતું હતું, ખરું ને?" હેડ માસ્તરે ' ડૂબતો તરણું ઝાલે'ની કહેવત તાજી કરી.

"આ બહાનું છે?" પિનાકી હસવા લાગ્યો.

ત્યાં તો બ્રાહ્મણ બરાડી ઊઠ્યો : "પણ અહીં તો જુઓ, સાહેબ!"

પાણીની ઓરડીમાં માટલાંનાં કાછલાં વેરણછેરણ પડ્યાં હતાં.

"કોણે ભાંગ્યો ગોળો?"

"મેં." પિનાકી જૂઠું બોલ્યો. કોઈ બીજા જ છોકરાએ ભાંગફોડ કરી હતી.

"શા માટે?"

"કાછલાં જુઓ ને!"

સાપના ઝેર સરખી લીલ એ કાછલાંએ પહેરી હતી.

હેડ માસ્તરે અન્ય છોકરાઓ તરફ હાક મારી : "એને તો બહારવટું કરવું છે, પણ તમારો બધાનો શો વિચાર છે? બાપના પૈસા કેમ બગાડો છો? પાણી વિના શું મરી જાવ છો? પાણી ઘેર પીને કાં નથી આવતા? એક કલાકમાં તરસ્યા મરી ગયા શું? પિવરાવી દ‌ઉં પાણી? કે પહોંચો છો ક્લાસમાં?"

તરસે ટળવળતા છોકરા, કેટલાક તો દસ-દસ જ વર્ષના, ભારે ડગલાં ભરતાં પાછા વળ્યા. એકલો પિનાકી જ ત્યારે ઊભો રહ્યો.

ને એને ભાસવા લાગ્યું કે જાણે એ લોઢાનો બનતો હતો. જાણે કોઈક અદૃશ્ય શક્તિનો હથોડો એના પ્રાણને જીવનની એરણ ઉપર ઘડી રહ્યો હતો.

૧૮૪
સોરઠ તારાં વહેતાં પાણી