આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જે' કરે છે! પૃથ્વીપુરના પેલા રિટાયર થયેલા દીવાન સાહેબ તે મારા મોટાબાપુજી પાસે રોજ એ ગરનાળા ઉપર બેસી સોરઠના ગામડાના તકરારી સીમાડા વિષે માહિતી માગે છે. જોરાવરગઢના શિકારી દરબાર ગિરનો લૂલિયો સાવજ કઈ બોડમાં રહે છે તેની પૂછપરછ કરવા તો મારા બાપુજીને ઘેરે મળવા આવે છે ને બાપુજી હજામત કરાવતા હોય તો એટલી વાર ગાડી બહાર થોભાવી વાટ જુએ છે. એવા મારા બાપુજીને રઝળી પડેલ કહેનાર કોણ છે આ કંગાલ? એને ઘેર મારા બાપુજી ક્યારે ચા પીવાનો સમય જોઈને પેઠા હતા! કયે દા'ડે ઉછીના પૈસા માગ્યા છે! મારી ફી ભરવામાં એક દિવસનું પણ મોડું બાપુજીએ ક્યારે કર્યું છે!

ત્યારે? - ત્યારે - ત્યારે - આ શું બોલી ગયો એ માણસ? એને મેં બોલતાં ચૂપ કાં ન કરી નાખ્યો? મેં એની ત્યાં ને ત્યાં પટકી કાં ન પાડી નાખી? હું અઢાર વર્ષનો જુવાન કેમ ન કકળી ઊઠ્યો? મેં એની બોચી જ કાં ન પકડી? મેં આ શરીરના ગઠ્ઠા શા માટે જમાવ્યા છે? હું તે શું નર્યા લોહીમાંસનો કોથળો જ નીવડ્યો?

રસ્તાની એક બાજુએ ઘસાઈને એ ચાલ્યો જતો હતો. પ્રત્યેક વિચાર એના હીબકામાં જોર પૂરતો હતો. પોતાને ધ્રુસકા નાખતો કોઈ જોઈ કે સાંભળી જશે તો ઊલટાની નામોશી વધશે એ બીકે પોતે હીબકાંને રૂંધવા પ્રયત્ન કરતો હતો, પણ હેડમાસ્તરને કશું કરી ન શકાયું એ પોતાની કંગાલિયત એના હૃદયને વધુ ને વધુ ભેદતી હતી. આંસુ લુછવા માટે ને હીબકાં દાબવાને માટે એ મોં આડે વારંવાર હાથ દેતો હતો. રૂમાલ ઘેર ભૂલી ગયેલ હોવાથી આપત્તિ થઈ પડી! અને નાક લૂછવાનો દેખાવ કરી એ આંસુ લૂછતો હતો.

પણ ચોરી કરવા નીકળનાર માણસ કદી ન કલ્પેલા હોય એવા કોઈ સાક્ષીની નજરે પકડાય છે. પિનાકીને ભાન ન રહ્યું કે રસ્તાની પગથી ઉપર એક અથડામણ થતી થતી રહી ગઈ. એના હાથ એની આંખો આડે હતા. એનું મોઢું રસ્તાની ઊલટી બાજુએ હતું.

ઓચિંતું જાણે કે કોઈકની જોડે એનું પડખું ઘસાયું. કોઈક પછવાડેથી બોલ્યું પણ ખરું કે 'જરા જોઈને તો ચાલતો જા, ભાઈ!'

પોતે જોઈને નથી ચાલતો એવી ચેતવણીનો સ્વર જ્યારે કોઈ પણ જુવાન

૧૮૬
સોરઠ તારાં વહેતાં પાણી