આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જવાબ દઈને પિનાકીને, કોઈ સિપાઈ કેદીની જડતી લેતો હોય તેટલી બધી ઝીણવટથી તપાસ્યો.

પિનાકીનાં હીબકાં કોણ જાણે ક્યાં શમી ગયા. કન્યાએ પૂછ્યું : "તમે અહીંના છો? તમારું નામ શું છે?"

"હું તમને ઓળખતો હોઉં એવું લાગે છે." પિનાકીએ નામ પ્રકટ કરવાને બદલે પોતાની સ્મરણ-શક્તિ પ્રકટ કરી.

બરાબર તે જ અરસામાં પિનાકીનો અવાજ ફાટતો હતો - એટલે કે કિશોરી અવસ્થાનો કોકોલ કંઠ જાણે માંડમાંડ, કોઈક ભીંસામણમાંથી નીકળીને જુવાનીના ભર્યા રણકારમાં પ્રવેશ કરતો હતો. ઘંટીનાં બે પડ વચ્ચે જાણે કે ગળું ભરડાતું હતું. એટલે જ એ કિશોરાવસ્થાના સૂર, હજુ પારખી શકાય તેવા, કોઈ કોઈ વાર દેખાતા હતા.

"તમે - તમે ભાણભાઈ તો નહિ!"

"ઓહોહો, પુષ્પાબેન! તમે અહીં?"

કન્યાએ આધેડ સ્ત્રીને કહ્યું : "બા, આપણા ભેખડગઢવાળા જમાદાર સાહેબના ભાણાભાઈ છે."

"ઓહો! ભાણો! ભાણા બેટા, હા જ તો! અમે તો હવે અહીં જ હોઈએ ને બેટા! પુષ્પાના બાપનું તો ઢીમ ઢાળી નાખ્યું રોયા કાઠીઓએ. તે પછી બીજે ક્યાં જઈએ? આંહીં અમારાં ઘરખોરડાં છે."

પિનાકી મૂંગો રહ્યો. પુષ્પાના પિતા, ભેખડગઢના થાણદાર સાહેબ, જાડા જાડા કોઠી જેવા, મોટીબા જેમનું નામ લેવાને બદલે હમેશાં બે હાથ પહોળા કરી ઈશારે નિર્દેશ કરતાં - તે થાણદારનું સ્મરણ મામીએ અદાલતમાં કરાવ્યું હતું.

"તમારાય બાપુજીની નોકરી ગઈ : કાં ને, ભાણા?" પેલી વિધવાએ કહ્યું : "નોકરી તો આખર નોકરી જ, ઈ કાંઈ ખોટું કહ્યું છે? અમારેય એવું થયું ને તમારેય એવું થયું. સરકારે બેમાંથી કોઈને ન્યાલ ન કરી દીધાં, ભાણા! નોકરી તે નોકરી : કરી તોય છેવટ જાતાં નો જ કરી!"

નોકરી શબ્દનો આવો નિગૂઢાર્થ તે વખતે સોરઠમાં ખૂબ જ પ્રચલિત હતો. પેન્શનરો, સાધુઓ, શાસ્ત્રીઓ વગેરે લોકોની તે વખતમાં એ એક ખાસિયત

૧૮૮
સોરઠ તારાં વહેતાં પાણી